Mysamachar.in:રાજકોટ:
સામાન્ય કિસ્સાઓમાં ચોર ચોરી કરી નાસી જતાં હોય છે. પરંતુ પડધરીમાં અનોખી ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ જિલ્લાના પડધરી ગામમાં ચોરીનાં બનાવો સતત વધી રહ્યા છે. પડધરીમાં ગઈકાલે એક સાથે પાંચ જેટલી દુકાનો અને મકાનનાં તાળા તૂટયા હતા. જેમાંથી ચોરોએ કાપડની દુકાનમાંથી રોકડની ચોરી તો કરી પરંતુ નવા કપડા પણ પહેરી લીધા હતા. ચોર કપડાની દુકાનમાંથી કપડાં ચોરીને નીકળી જાય તો કંઈ નવાઈની વાત નથી પરંતુ આ ચોર ગેંગે કપડાની દુકાનમાંથી કપડાની ચોરી કરી અને દુકાનની પાછળનાં ભાગમાં પોતાના જૂના કપડા ઉતારી ચોરી કરેલા નવા કપડાં પહેર્યા. જુના કપડાને ત્યાં ફેંકી દીધા અને રફૂચક્કર થઈ ગયા પડધરીમાં છેલ્લા થોડા દિવસમાં ચોરીનાં બનાવો સામે આવ્યાં છે. તેને લઇને વેપારીઓ ચિંતામાં મુકાયા છે. અને પોલીસ કડક પગલા લે અને પેટ્રોલિંગ વધુ સઘન બનાવે તેવી માંગ પણ ઉઠી છે.