Mysamachar.in-જામનગર
જામનગર મહાનગરપાલિકાની શાખાઓમાં કેવી લોલમલોલ ચાલે છે તેના ઉદાહરણો જો ઓડીટ અહેવાલનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવે તો સામે આવે છે, આવા જ કેટલાક છબરડા ઓડીટમાં સિવિલ શાખાના સામે આવ્યા છે, જેમાં સીવીલ શાખા ઓડીટથી તેની મોટાભાગની વિગતો છાની રાખતું હોવાનું વર્ષ 17/18 અને 18/19 ના અહેવાલ પરથી ફલિત થાય છે. અને આવું ક્યાં કારણોસર ચાલવા દેવામાં આવે છે પણ લગત તમામ સામે તપાસનો વિષય છે. વર્ષ 17/18 અને 18/19 ના એહવાલમાં સિવિલ શાખાને લઈને ટાંકવામાં આવ્યું છે કે ઓડીટ અહેવાલ સબંધે પત્ર રીમાઇન્ડર આખરીયાદી પત્ર દ્વારા શાખા પાસે વારંવાર માહિતી માંગવા છતા માહિતી રજુ કરવામાં આવતી નથી.. જે માહિતીઓ સિવિલ શાખા દ્વારા છેલ્લા બે ઓડીટ અહેવાલમાં છુપાવાઈ રહી છે તેની ગંભીર વિગતો પર નજર કરવામાં આવે તો…
– ડિપાર્ટમેન્ટલી કરાવેલ કામ અંગે કામ વાઇઝ ખર્ચની વિગત, લાગેલા દિવસો અને રોકવામાં આવેલ માણસોની વિગત
– ડિપાર્ટમેન્ટલી કામ અંગે વપરાયેલ સિમેન્ટ અંગે સિમેન્ટ વપરાશ પત્રક.
– વર્ષ દરમ્યાન અપાયેલ વર્ક ઓર્ડરો પૈકી ( ટેન્ડર કામ ) અધુરા છોડેલ કામોની યાદી
– ગેરરીતી, ઉચાપત, નબળા બાંધકામ અંગે કોઇ કોન્ટ્રાકટરોને ડી-બાર કરવામાં આવેલ હોય તો તેની વિગત
– મુળ કોન્ટ્રકટરના જોખમે અને હિસાબે જે કામના ટેન્ડરો બહાર પાડવામાં આવેલ હોય તે અંગે મુળ કોન્ટ્રાકટરના કામના ખર્ચની વિગત તથા નવેસરથી ટેન્ડર માંગતા થયેલ વધારાનો ખર્ચ અને આ ખર્ચની વસુલાત કરવા માટે કરેલ કાર્યવાહીની વિગત
આમ આ ઓડીટ અહેવાલ સબંધેની માહિતી શાખા પાસે ઓડીટ વિભાગ દ્વારા વારંવાર પત્ર, રીમાઇન્ડર, આખરી યાદી પત્ર દ્વારા વારંવાર માગવા છતા રજુ ન કરવામાં આવતી હોય તેવો ઉલ્લેખ ઓડીટ અહેવાલમાં કરવામાં આવ્યો છે.