Mysamachar.in-જામનગર, દેવભૂમિ દ્વારકા
છેલ્લા કેટલાક દિવસોથી જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં લોકો કાતિલ ઠંડીનો સામનો કરી રહ્યા છે, એવામાં છેલ્લા બે દિવસથી કડકડતી ઠંડી અને બર્ફીલા પવનોથી વાતાવરણ ઠંડુંગાર જોવા મળી રહ્યું છે. તેની સીધી જ અસરો જનજીવન પર જોવા મળી રહી છે, મોડીરાત્રે તથા વહેલી સવારે કડકડતી ઠંડીથી લોકો રીતસરના ધ્રુજી ઉઠ્યા છે, જામનગરમાં સતત બે દિવસથી લઘુતમ તાપમાનનો પારો સિંગલ ડિજીટમાં રહ્યો હતો. એમાં પણ આજે તો જામનગરમાં લઘુતમ તાપમાનનો પારો 7.5 ડિગ્રી સુધી પહોંચી જતાં સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. આજનું લઘુતમ તાપમાન 7.5 ડિગ્રી, મહત્તમ તાપમાન 24.8 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 69% નોંધાયું હતું. આમ કડકડતી ઠંડીને કારણે લોકો ગરમ વસ્ત્રો, ગરમપીણા અને બને ત્યાં સુધી ઘરની બહાર નીકળવાનું વહેલી સવારે અને રાત્રીના ટાળી રહ્યા છે.