Mysamachar.in-જામનગર:
ગુજરાતમાં રોજેરોજ ઠંડીનું જોર વધી રહ્યું છે. ત્યારે જામનગર સહીતના રાજ્યના કેટલાય શહેરોમાં ઠંડીનું પ્રમાણ સતત વધતું જોવા મળે છે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં ઠંડીનું જોર યથાવત છે. આજે રાજ્યના અનેક શહેરોમાં ધૂમમસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જામનગરમાં પણ વહેલી સવારથી ધૂમમ્સની પાતળી ચાદર પથરાઈ છે. શહેરના રસ્તાઓ પર ધુમ્મસ પથરાતાં આહલાદક વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગે આગામી સમયમાં ગુજરાતમાં ઠંડીની આગાહી કરી હતી. તેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીનો જોર વધી શકે તેવો અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે.
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરી છે. હાલ રાજ્યમાના મોટા ભાગના શહેરમાં તાપમાનનો પારો ગગડ્યો છે. ઉત્તર ભારતમાં થયેલ હિમવર્ષાના પગલે પણ રાજ્યમાં ઠંડીનો ચમકારો વર્તાય રહ્યો છે. માઉન્ટ આબુમાં તાપમાનના પારો ગગડતાં શૂન્યે પહોંચી જતા અહીં બરફ છવાયેલો જોવા મળી રહ્યો છે. જામનગર સહીતના શહેરમાં વહેલી સવારે ધુમ્મસની ચાદર છવાઇ ગઈ છે. હાલ શહેરના અનેક વિસ્તારોમાં હિલ સ્ટેશન જેવુ આહ્લાદક વાતાવરણ જોવા મળી રહ્યું છે. ઝીરો વિજીબલીટીથી વાહન ચાલકોને પરેશાની જોવા મળી રહી છે. કડકડતી ઠંડી અને ધુમ્મસ ભર્યા વાતાવરણમાં ગણ્યા ગાઠ્યા જ લોકો મોર્નિંગ વોક પર નીકળ્યા હતા.