વોટ્સએપ યુઝર્સે શું ધ્યાન રાખવું?

આંખ ઉઘાડનારો કિસ્સો

વોટ્સએપ યુઝર્સે શું ધ્યાન રાખવું?
પ્રતિકાત્મક તસવીર

Mysamachar.in-વડોદરાઃ

ટેક્નોલોજીના યુગમાં જો સાવધાની ન રાખવામાં આવે તો મોટું નુકસાન વેઠવાનો વારો આવી શકે છે. અત્યારસુધી તો તમે બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી લેવાની ઘટના સાંભળી હશે પરંતુ વોટ્સએપના માધ્યમથી બ્લેકમેઇલ કરી પૈસા પડાવવાનો કિસ્સો સામે આવ્યો છે, વડોદરામાં કોલેજમાં અભ્યાસ કરી યુવતી અને તેના પ્રેમીનું કોઇએ વોટ્સએપ હેક કરી લીધું. ત્યારબાદ પ્રેમ પ્રકરણ જાહેર કરવાની ધમકી આપી હેકરે પૈસાની માગણી કરી હતી, હેકરે કહ્યું કે તમે બંને ચોરી છૂપીથી વાતો કરો છો, અને એકબીજાના ફોટો-વીડિયો શેર કરો છો. જો કે જાગૃત યુવકે સીધો જ સાયબર ક્રાઇમનો સંપર્ક કર્યો અને ગણતરીની કલાકોમાં આરોપી શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે ઘટના બાદ સાયબર એક્સપર્ટે લોકોને આવી ઘટનાનો ભોગ ન બનવું હોય તો વોટ્સએપ યૂઝર્સે શું કાળજી રાખવી તે અંગે માહિતી આપી હતી. 

સાયબર એક્સપર્ટે જણાવ્યું કે કોઇ પણ જાણી-અજાણી વ્યક્તિના હાથમાં 10 સેકન્ડ માટે પણ મોબાઇલ આપવો ખતરા સમાન છે. જો મોબાઇલ આપવાની ફરજ પડે તો સૌથી પહેલા ઇન્ટરનેટ બંધ કરી દેવું. ત્યારબાદ મોબાઇલના બેકગ્રાઉન્ડમાં સ્ક્રીન રેકોર્ડેડ સોફટવેર એક્ટીવ કરીને આપવું જેથી અજાણી વ્યક્તિએ તમારા ફોનમાં શું શું કર્યું તે તમે બાદમાં જાણી શકો. તો અગત્યની એપ્લિકેશન જેવી કે બેંકિંગ્સ, ગેલેરી જેવી એપ્લિકેશન લોક રાખવી. ફાઇલ ટ્રાન્સફર જેવી એપનો ઉપયોગ કર્યા પછી લીંક ડીસકનેકટ કરવી, પબ્લીક પ્લેસ અને જાહેર સ્થળોએ ઓપન વાઇફાઇનો ઉપયોગ ટાળવો, વોટસએપ વેબ યુઝ કર્યા બાદ અચુક લોગઆઉટ કરવું, સોશિયલ મીડિયામાં જેટલી જગ્યાએ લોગ ઇન હોવ તે કામ કર્યા બાદ તુરંત લોગ આઉટ કરવું, સમયાંતરે પાસવર્ડ બદલતો રહેતો અને નવો પાસવર્ડ સ્ટ્રોંગ રાખવો. દિવસે ને દિવસે ટેક્નોલોજીનો વિકાસ થઇ રહ્યો છે, ખાસ કરીને સાયબર ક્ષેત્રે નીતનવી શોધ થઇ રહી છે, એવામાં જો નાની-નાની વાતનું ધ્યાન રાખવામાં આવે તો મુસીબતને ટાળી શકાશે અને હેકર્સથી બચી શકાશે.