Mysamachar.in-અમદાવાદ
આજના સમયમાં કોઈના ફોટા પોતા પાસે હોય તો દુરુપયોગ કરતા વાર નથી લાગતી, આવો જ એક ચોકાવનારો કહી શકાય તેવો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે, જ્યાં શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતી 19 વર્ષીય યુવતીને તેનો પૂર્વ પ્રેમી ફોન કરી વાત નહિ કરે તો ફોટા વાઇરલ કરવાની ધમકી આપતો હોવાનો કિસ્સો સામે આવ્યો છે, અવારનવાર ફોન કરી ધમકીઓ આપી માનસિક ત્રાસ આપતા યુવતીએ મહિલા હેલ્પલાઇનને જાણ કરી હતી. મહિલા હેલ્પલાઈનની ટીમે યુવકને સમજાવી યુવતીના ફોટા, ચેટ અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડીલીટ કરાવી દીધા હતાં. બંનેને એકબીજાના ફોન નંબર ડીલીટ કરાવી આજ બાદ સંપર્ક ન કરવા પણ કહી યુવતીને તેના પૂર્વ પ્રેમીના ત્રાસમાંથી મુક્ત કરાવી હતી.
મહિલા હેલ્પલાઇન 181માં ઘાટલોડિયા વિસ્તારમાંથી એક 19 વર્ષીય યુવતીનો ફોન આવ્યો હતો કે મારો પૂર્વ પ્રેમી ફોન કરી હેરાન કરે છે અને ફોટા વાઇરલ કરવાની ધમકી આપે છે જેથી મહિલા હેલ્પલાઇનની ટીમ યુવતી પાસે પહોંચી પૂછપરછ કરી હતી. યુવતીએ જણાવ્યું હતું કે દોઢ વર્ષ પહેલાં ઇન્સ્ટાગ્રામ પર તેની જ ઉંમરના એક યુવક સાથે મિત્રતા થઈ હતી. બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. અને યુવક ગરીબ ઘરમાંથી આવતો હતો તેના પિતા પણ ન હતા અને પોતે નોકરી કરતો હતો. યુવતીની માતાને તેના અને શરદ વચ્ચેના સંબંધો અંગે જાણ હતી.
શરદ અને યુવતી વચ્ચે અવારનવાર ઝઘડા શરૂ થતાં તેઓ અલગ થઈ ગયા હતા.શરદ સાથે રિલેશન તોડ્યા બાદ યુવતીએ અન્ય યુવક સાથે રિલેશનશિપમાં હતી. શરદને આ બાબતે જાણ થતાં તેણે યુવતીને ફોન કરી હેરાન પરેશાન કરવાનું શરૂ કરી દીધું હતું. તું મારી જોડે વાત કર નહીં તો તારા ફોટો વાઇરલ કરી દઈશ. તારા માતા-પિતા અને બોયફ્રેન્ડને પણ ફોટો બતાવી બધી વાત કરીશ જેથી રિલેશન તૂટી જાય. મહિલા હેલ્પલાઇનની ટીમ યુવતીની મદદથી શરદ પાસે પહોંચી હતી. શરદ પાસે રહેલા ફોનમાંથી યુવતીના હાથે બધા ફોટો અને ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ તેમજ ચેટ ડિલીટ કરાવી હતી. બંનેના ફોનમાંથી એકબીજાના નંબર ડીલીટ કરાવી આજ પછી સંપર્ક ન કરવા જણાવ્યું હતું. શરદને પણ આજ પછી હેરાન કરશે તો કાનૂની કાર્યવાહી કરવામાં આવશે આમ આ મામલાનો સુખદ અંત મહિલા હેલ્પલાઈન ટીમે લાવી આપ્યો હતો.