‘રૂપાણી સરકારને સંતોષ થશે’ LRDની પરીક્ષામાં પુત્રોને અન્યાય થતાં પિતાનો આપઘાત

સુસાઇડ નોટમાં ઉલ્લેખ

‘રૂપાણી સરકારને સંતોષ થશે’ LRDની પરીક્ષામાં પુત્રોને અન્યાય થતાં પિતાનો આપઘાત

Mysamachar.in-જુનાગઢઃ

LRDની પરીક્ષાનું ભુત રૂપાણી સરકારનો પીછો જ નથી છોડતું. હવે લોકરક્ષક દળની પરીક્ષામાં બે પુત્રો સાથે અન્યાય થવાના કારણે પિતાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચ્યો છે. સહાયક વિદ્યુત નિરિક્ષણ કચેરી બહુમાળી ભવનમાં પટાવાળા તરીકે નોકરી કરતા 50 વર્ષિય મ્યાંજરભાઈ હુણનો મૃતદેહ સવારે 7.30થી 10.30 વાગ્યા દરમિયાન ઓફિસમાંથી જ પંખે લટકતો જોવા મળ્યો હતો. માંજરભાઈ આપઘાત કરતા પહેલા ટેબલ પર સ્યુસાઇડ નોટ લખીને મૂકી હતી. માંજરભાઈએ સ્યુસાઇડ નોટમાં લખાવ્યું હતું કે, ‘મારી ઓફિસમાં સ્ટાફ અને કર્મચારીને હેરાન કરશો નહીં, માફ કરશો...રૂપાણી સરકારને સંતોષ થશે’.ઘટનાને પગલે મોટી સંખ્યામાં રબારી અને માલધારી સમાજ એકઠા થઇ ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે.

મૃતક માંજરભાઇએ લખેલી સ્યુસાઈડ નોટમાં ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે, જેમાં જણાવવામાં આવ્યુ કે, ‘ભાજપ કંપની સરકાર હજારો ગરીબ માણસોનો ભોગ લઈ રહી છે. મારા મૃત્યુ માટે ઉપર દર્શાવેલ પ્રધાનો તથા અધિકારીઓ જવાબદાર હોવા છતાં આ ભાજપ કંપની સરકાર કોઈ કાર્યવાહી કરશે નહી. પરંતુ ઉપરવાળો ભગવાન નક્કી ન્યાય આપશે. હું મારા બંને દીકરાની વેદના જાઈ ના શક્યો. મોઢે આવેલ કોળિયો આ સરકારે ઝૂંટવી લીધો. સરકાર ગરીબોને મારી નાખશે. ગદ્દારો, ભગવાન ન્યાય આપવા માટે બેઠો છે. મારા રબારી સમાજને વિનંતી કે ભાજપ સરકાર પ્રધાન પદ આપે તો પણ તે નકારજો અને ભાજપને ક્યારેય મત આપશો નહી.’ છેલ્લા કેટલાક સમયથી માલધારી સમાજ દ્વારા રાજ્યભરમાં LRD પરીક્ષાને લઇને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે, એવામાં માંજરભાઇના આપઘાતથી આ વિરોધ વધુ ઉગ્ર બની શકે છે.