Mysamachar.in-ગુજરાત:
જામનગર સહિત રાજ્યભરમાં ઘણાં લાંબા સમયથી લોકો તથા રાજકીય પક્ષો વિધાનસભા ચૂંટણીની જાહેરાતનો ઈંતજાર કરી રહ્યા છે. હવે આ જાહેરાતનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું છે. હવે પછીનાં ગણતરીના કલાકોમાં કેન્દ્રીય ચૂંટણી પંચ ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત દિલ્હીથી કરશે. અને, ગુજરાતમાં બે તબક્કામાં મતદાન ગોઠવવામાં આવે તેવી શક્યતાઓ છે. ચૂંટણી પરિણામ તો જો કે, હિમાચલ પ્રદેશની ચૂંટણીનાં પરિણામ સાથે જ, એટલે કે આગામી આઠમી ડિસેમ્બરે જાહેર થાય તેવી સંભાવના સૂત્રો જૂએ છે.
ગુજરાતમાં ભાજપા, કોન્ગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ ચૂંટણીની જાહેરાત તથા ચૂંટણી લડવા થનગને છે. કાર્યકરો ચૂંટણી પૂર્વેની તૈયારીઓમાં રાતદિન વ્યસ્ત છે. ગત્ ચૂંટણી કરતાં આ વખતે વિધાનસભા ચૂંટણી અલગ હશે, કેમ કે આ વખતે ત્રિપાંખિયો જંગ છે.
અત્રે નોંધનીય છે કે, 2017 ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન સારૂં રહ્યું હતું. જો કે તો પણ સરકાર રચવા જેટલી બેઠકો આ પક્ષને મળી ન હતી. આ વખતે કોન્ગ્રેસ કોઈ પણ રીતે ભાજપા પાસેથી સતા આંચકી લેવા ઇચ્છે છે પરંતુ આ વખતે ત્રિપાંખિયો જંગ હોય, આવું શક્ય કેવી રીતે બનશે ?! તેનાં પર સૌની નજર છે. બીજી બાજુ અમર્યાદ તાકાત ધરાવતી ભારતીય જનતા પાર્ટી કોઈ પણ રીતે સત્તામાંથી બહાર નીકળવા ઈચ્છતી નથી. તો સામે, આમ આદમી પાર્ટી પણ ભાજપાને સતાથી દૂર કરવા તલપાપડ છે.
આજે બપોરે 12 વાગ્યે ચૂંટણીની જાહેરાત સંદર્ભે સૌ કાગડોળે રાહ જોઈ રહ્યા છે. મતદાનની તારીખો જાણવાનો સૌને ઈંતજાર છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, ચૂંટણીમાં મતદાન બે તબક્કામાં થશે. જો કે ભાજપા અને કોન્ગ્રેસ દ્વારા હજુ સુધી ઉમેદવારોની પસંદગી પૂર્ણ કરવામાં આવી નથી. અને, આમ આદમી પાર્ટી પોતાનાં મોટાભાગના ઉમેદવારો જાહેર કરી ચૂકી છે.