Mysamachar.in-અમદાવાદ
સિક્યોરિટી એજન્સી શરૂ કરવા માટે 3 હજારની લાંચ માગનારા GST ઈન્સ્પેક્ટર એસીબીની ટ્રેપમાં ફસાયા હોવાની જાણકારી થતા કાર લઈને ભાગી ગયા હતા. આ દરમિયાન કોન્સ્ટેબલે કાર રોકવાનો પ્રયત્ન કર્યો તો તેને અને ફરિયાદીને પણ ઈજાગ્રસ્ત કર્યો હતો. આ ઘટનાની ACB પાસેથી મળતી વિગતો મુજબ આ કેસના ફરીયાદીએ નવી સીકયુરીટી એજન્સી ખોલવા સરકારના જુદા-જુદા વિભાગોમાંથી પરવાનો મેળવેલો હોય અને GST નંબર મેળવવા અરજી કરેલ હોઈ, જેથી GST ઈન્સપેકટર પરેશભાઈ પ્રિયદર્શનીએ ફરીયાદીની ઓફિસે જઈ, સ્થળ તપાસણી કરી, ફરીયાદી પાસે રૂા.4,000 લાંચની માંગણી કરેલ અને રકઝકના અંતે રૂપીયા 3,000 લાંચ આપવા જણાવતા, ફરીયાદીએ લાંચની રકમ આપવા માંગતા ન હોઈ, ACBનો સંપર્ક કરતા ફરીયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આક્ષેપિત GST ઇન્સ્પેકટર પરેશભાઈ પ્રિયદર્શનીએ લાંચની રકમ પોતાને આપવા ફરીયાદીને વિસત એ.એમ.ટી.એસ. બસ સ્ટેન્ડ ખાતે બોલાવેલ..
જયાં આક્ષેપિતે ફરીયાદી પાસેથી લાંચની રકમ પોતાની હોન્ડા WR-V GJ-18-BG-8512 માં માંગણી કરી, સ્વીકારી, અને ફરીયાદીએ સુચિત ઈશારો કરતા, ACB ટીમના સભ્યો આવી જતા, આક્ષેપિત GST ઈન્સ્પેકટરે પોતાની ગાડી પુરઝડપે ઈરાદાપુર્વક હંકારી મુકી, ફરીયાદીને ગંભીર ઈજાઓ પહોચાડી તેમજ સાહેદ તરીકે રહેલા હેડ કોન્સ્ટેબલ વિરલભાઈને ઈજાઓ પહોચાડી, લાંચની રકમ પોતાની સાથે ગાડીમાં લઇ જઇ પુરાવાનો નાશ કરી ભાગી હોવાનું સામે આવ્યું છે. આમ ફરિયાદી અને પોલીસ હેડ કોન્સ્ટેબલને આરોપીએ પોતાની કાર સાથે ઢસડી ગંભીર ઇજાઓ પહોંચાડેલ હોય જે બનાવ અંગે ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે બીજો ગુન્હો દાખલ કરવા તજવીજ કરેલ છે.