અકસ્માત, કાર ટ્રક સાથે અથડાઈ દાદા, દાદી અને પૌત્રીનું મોત 

અહી બની છે આ ઘટના 

અકસ્માત, કાર ટ્રક સાથે અથડાઈ દાદા, દાદી અને પૌત્રીનું મોત 

Mysamachar.in-સુરેન્દ્રનગર:

રાજ્યમાં એક દિવસ પણ એવો નથી જતો કે ક્યાય ગમખ્વાર અકસ્માતની ઘટના ના ન બની હોય...દિનપ્રતિદિન અકસ્માતોની સંખ્યા વધવા લાગી છે, એવામાં સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી નેશનલ હાઈવે પર જનસાળી પાસે ટ્રક સાથે કાર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રાજકોટથી અમદાવાદ ઘરે પરત ફરી રહેલા દાદા, દાદી સાથે 6 વર્ષની પૌત્રીનું અવસાન થયું હતું. અકસ્માત સર્જીને ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો.

અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવેનું 6-લાઈનનું છેલ્લા કેટલાય સમયથી કામ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે. જેના કારણે ઠેર ઠેર ડાયવર્ઝનના કારણે અવારનવાર અકસ્માત સર્જાય છે અને લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે, આ ગમખ્વાર અકસ્માત અંગે મળતી માહિતી મુજબ અમદાવાદ, ઉદય મહેનત પુરા આંબાવાડી છાપરામાં રહેતા બકુલભાઈ ઉર્ફે જેઠાભાઈ બઘાભાઈ મુછડીયા તેમના પત્ની હિરાબેન મુછડીયા અને 6 વર્ષની પૌત્રી ક્રેયાંશી વિજયભાઈ મુછડીયા દિવાળીના તહેવારમાં રાજકોટ ગયા હતા. તા.13ની સાંજે રાજકોટથી અમદાવાદ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે લીંબડી હાઈવે પર જનસાળી પાસે રોડના કામને કારણે આપેલા ડાયવર્ઝન લીધે રોંગ સાઈડમાં આવતાં ટ્રક સાથે તેમની કાર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં દાદા બકુલભાઈ અને પૌત્રી ક્રેયાંશીનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું જ્યારે હિરાબેન મુછડીયાને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે લીંબડી સિવિલ હોસ્પિટલે ખસેડયા હતા. પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે અમદાવાદ લઈ જવા જતાં રસ્તામાં જ તેમણે પણ દમ તોડી દીધો હતો. કાળમુખો અકસ્માત દાદા, દાદી સાથે 6 વર્ષની પૌત્રીનો આ અકસ્માતમાં ભોગ લેવાતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.