ગુજરાતના ખેડૂતો માટે સરકારે કર્યો આ નિર્ણય

સોશ્યલ DISTANCE પણ રહે અને કામગીરી થાય...

ગુજરાતના ખેડૂતો માટે સરકારે કર્યો આ નિર્ણય
file image

Mysamachar.in-ગાંધીનગર:
એકતરફ રાજ્યમાં કોરોનાનું સંકટ છે, અને લોકડાઉન પણ જારી રાખવામાં આવ્યું છે, ત્યારે રાજ્યના ખેડૂતો માટે આજે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિણર્ય લેવામાં આવ્યો છે, આ અંગેની જાણકારી આપતા મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે કહ્યું કે, એપીએમસી માર્કેટ આવતીકાલથી શરૂ કરવામાં આવશે. સ્થાનિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને અને કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો છે.

ખેડૂતો માટે જે વ્યવસ્થા કરવામાં આવી રહી છે તે માટે જિલ્લા કક્ષાએ એક સમિતિની રચના કરવામાં આવશે. આ સમિતિના અધ્યક્ષ તરીકે જિલ્લા રજિસ્ટ્રાર અને જીલ્લા ખેતીવાડી અધિકારી બજાર સમિતિના ચેરમેન વગેરે સભ્યો રહેશે. આ સમિતિ કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા જે સૂચવવામાં આવે છે,  તેના આધારે નિર્ણય લેશે અને તે વ્યવસ્થા ઉભી કરવાની રહેશે

વધુમાં તેમણે જણાવ્યું કે, ખેડૂતોને નિયત કરેલ તારીખ અને દિવસે જ બોલાવવામાં આવશે. ખેડૂતોની રજિસ્ટ્રેશન પ્રક્રિયા કરવામાં આવશે. ખેડૂતોએ ઉત્પાદનનું સેમ્પલ લઇને માર્કેટ યાર્ડમાં આવવાનું રહેશે તેના આધારે તેનો ભાવ નક્કી કરવામાં આવશે અને પછી ખેડૂત અને વેપારી પરસ્પર સમજૂતિથી વેપારી ખેડૂતના ખેતર પર જઈને માલ ખરીદે તેવી વ્યવસ્થા કરશે.

આમ આ નિર્ણય થકી માર્કેટ યાર્ડમાં ખેડૂતોની ભીડ ના થાય અને ઓછા લોકોની હાજરીમાં નક્કી કરેલા દિવસમાં સમય પ્રમાણે માલનું વેચાણ ખેડૂતો કરી શકે છે. ખેડૂતોના કે માર્કેટયાર્ડોમાં કામ કરતા કોઈને પણ કરોનાનો ચેપ ન લાગે એ માટે તમામ સુવિધાઓ અને સાધનો પૂરા પાડવામાં આવશે. ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં શાકભાજી અને અનાજ એક જગ્યાએ વેચાણ કરવામાં આવે છે તે જગ્યાએ બંને વચ્ચે અલગ-અલગ સમય નક્કી કરવામાં આવશે. જે પણ માર્કેટયાર્ડમાં સરકારના નિયમોનું પાલન કરવામાં ન આવે તેવી જગ્યાએ તાત્કાલિક અસરથી બંધ કરાવવામાં આવશે તેમ પણ તેવોએ વાતચીતના અંતે જણાવ્યું હતું.