ભૂમાફિયા બેફામ, જામનગર અને દ્વારકામાં આટલી ગૌચર જમીન પર કર્યો કબજો

ખુદ રાજ્ય સરકારે સ્વીકાર્યું

ભૂમાફિયા બેફામ, જામનગર અને દ્વારકામાં આટલી ગૌચર જમીન પર કર્યો કબજો
ફાઇલ તસવીર

Mysamachar.in-ગાંધીનગરઃ

ગૌચર જમીનો ખાલી કરાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હોવાનું ખુદ સરકારે સ્વીકાર્યું છે. વિધાનસભામાં શિયાળું સત્ર દરમિયાન કોંગ્રેસ ધારાસભ્યએ પુછેલા પ્રશ્નના જવાબમાં સરકારે સ્વીકાર્યું કે ગૌચર જમીન પર ગેરકાયદેસર દબાણો કરી નાના-મોટા બાંધકામો ખડકી દેવામાં આવ્યા છે. આવશ્યક સરકારી કે લોકહિતના બાંધકામ સિવાયના હેતુ માટે ગૌચરની જમીન સંપાદન કરવા સામે સુપ્રીમ કોર્ટે વર્ષોથી મનાઇ હુકમ ફરમાવી દીધો છે. ત્યારે ગુજરાત સરકાર ગૌચર પરના દબાણોથી જાણકાર હોવા છતાં દૂર કરાવી શકી નહીં હોવાનો વિધાનસભામાં સ્વીકાર કરવામાં આવ્યો છે. આ માહિતીમાં જામનગર અને દ્વારકા જિલ્લામાં પણ મોટા પ્રમાણમાં ગૌચર જમીનો પચાવી પાડવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.

વિધાનસભામાં સરકારે જણાવેલી માહિતી પ્રમાણે જામનગરમાં ત્રણ અને દેવભૂમિ દ્વારકામાં પાંચ ગામમાં ગૌચર જમીનો પર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે. આ સિવાય અમદાવાદમાં 36, કચ્છમાં 18, છોટા ઉદેપુરમાં 17, અમરેલીમાં 26, સુરેન્દ્રનગરમાં ૨૨, મોરબીમાં બે, રાજકોટમાં 19, પોરબંદરમાં 53, ગાંધીનગર જિલ્લામાં 95, મહેસાણામાં 216, મહીસાગરમાં બે, જૂનાગઢમાં 19, ભરૂચમાં 7, વલસાડમાં 12 ગામમાં ગૌચરની જમીનમાં દબાણ કરાયેલા છે. પંચાયત વિભાગ દ્વારા અપાયેલા લેખિત જવાબમાં જણાવાયું છે કે, ગૌચર પરના દબાણો ખેતી અને રહેણાક પ્રકારના છે જ્યાં કાચાથી લઇને પાકા બાંધકામ પણ કરી દેવાયા, તો કેટલાક જિલ્લાઓમાં ગૌચરની જમીન પર ઝૂંપડા, ઉકરડા, ગૌશાળા, વાડા વિગેરે બનાવી દેવાયા છે. તો આ દબાણ દૂર ન કરી શકવા અંગેના કારણોમાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા જણાવાયું છે કે ન્યાયિક પ્રક્રિયા અને જમીન માપણીની પ્રક્રિયા પડતર છે, જેથી આ કામગીરી પૂર્ણ થયા બાદ વધુ કાર્યવાહી કરવામાં આવશે. કેટલાક કિસ્સામાં કાર્યવાહી કરાઇ હોવાનું પણ જણાવાયું છે.