ઘોડાની રેસ પર જુગાર, જીતે તે અસ્વારને 7000

પોલીસે રાજકોટમાં કરી કાર્યવાહી

ઘોડાની રેસ પર જુગાર, જીતે તે અસ્વારને 7000

Mysamachar.in-રાજકોટ

પૈસા કમાવવા માટે કોઈ તીનપતીનો જુગાર રમે તો કોઈ ઘોડીપાસાનો...ક્યાંક રેસ પર પણ જુગાર રમાય છે, ઘણી વખત હાઈવે પર રીક્ષા બાઈક જેવા વાહનો પર જોખમી રેસ લગાવવામાં આવતી હોય છે અને તેમાં ક્યારેક આવી રેસ અને જુગાર મોંઘા પણ પડી શકે છે, એવામાં રાજકોટ પોલીસે ઘોડાની રેસ લગાવી પૈસાની હારજીત કરતા શખ્સો સામે કાર્યવાહી કરી છે, રાજકોટના સણોસરા ગામ પાસેથી ઘોડાની રેસ લગાડી જુગાર રમતા હોવાનું સામે આવ્યું છે જેના પર કુવાડવા પોલીસે કાર્યવાહી કરી 11 લોકોની ધરપકડ કરી છે. શહેરના રેસકોર્ષમાં ઘોડા ફેરવી ગુજરાન ચલાવતાં ચાર શખ્સોએ સણોસરામાં ઘોડા રેસ યોજી જૂગાર રમવાનું ચાલુ કરતાં કુવાડવા પોલીસે દરોડો પાડી ચારેયને પકડી લીધા હતાં.

હાલ કુવાડવા પોલીસે અબ્બાસ અમીનભાઇ સુંભાણીઆ, મહેન્દ્ર સનુરા, અલી જુણાત અને રજાક સોરા સામે જુગારધારાની કલમ અને પશુ પ્રત્યે ઘાતકી વર્તન દાખવવાની કલમ તેમજ 114 મુજબ ગુનો નોંધી ચારેયની ધરપકડ કરી રોકડા 16,700 રૂપિયા, છ મોબાઇલ, બે ઘોડા મળી કુલ રૂ. 92,200નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ જુગારમાં ચારેયએ એક કિલોમીટર સુધી ઘોડા દોડાવવાની રેસ યોજી હતી અને જે ઘોડો જીતે એના અસ્વારને 7,000 રૂપિયા આપવાના એ પ્રકારનો જૂગાર રમવાનું ચાલુ કર્યુ હતું. ચારેયએ ઘોડાને વધુ પડતા દોડાવી દુઃખ દર્દ આપી એક બીજાને મદદગારી કર્યાનો આરોપ મુકાયો છે. મહેન્દ્ર અને અબ્બાસ ઘોડા પર બેસી રેસ લગાવતાં હતાં અને બાકીના બે અલી તથા રજાક શરત લગાવતાં હતાં. હાલતો પોલીસે તમામ લોકો પર કાયદેસરની કાર્યવાહી કરી છે.