જામનગર-અમૃતસર ગ્રીનફિલ્ડ કોરિડોરનું નિરીક્ષણ કરતાં ગડકરી...
આ 6લેન એક્સપ્રેસ-વે ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને પંજાબને સીધાં જ જોડશે

Mysamachar.in:ગુજરાત
ઉત્તરમાં પંજાબનાં અમૃતસર અને કપૂરથલાથી માંડીને દક્ષિણમાં છેક જામનગર સુધી પહોંચનારા આ 6લેન એક્સપ્રેસ હાઈવે નાં નિર્માણથી દેશમાં પરિવહન ક્ષેત્રે એક મોટી ક્રાંતિ આવશે. ઉત્તર અને પશ્ચિમ ભારત અદભૂત રીતે, એકદમ ટૂંકા માર્ગે જોડાઈ જશે. આ એક્સપ્રેસ વે પર રેસ્ટોરન્ટ - હોટેલ - શયનગૃહ - દુકાનો- ઈ- ચાર્જ માટેનાં સ્ટેશન અને હેલિપેડ પણ બનાવવામાં આવશે. દેશનાં 7 બંદર, 9 ઈકોનોમિક ઝોન તથા દેશની 3 રિફાઈનરીઓ આ રોડને કારણે એકમેક સાથે ડાયરેક્ટ જોડાઈ જશે.
તાજેતરમાં કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ હેલિકોપ્ટર મારફતે તથા બાયરોડ આ એક્સપ્રેસ વે ની કામગીરી નું નિરીક્ષણ કર્યું હતું. આ નિરીક્ષણ રાજસ્થાનમાં કરવામાં આવ્યું હતું. આ ગ્રીનફિલ્ડ કોરિડોરને કારણે અમૃતસર, બિકાનેર, બાડમેર તથા કચ્છ જેવાં મહત્ત્વનાં પ્રવાસન સ્થળો વચ્ચેની કનેક્ટિવિટી વધી જશે. આ કોરિડોરને કારણે ગુજરાતનાં મહત્વનાં બંદરો કાશ્મીર સહિતનાં ઉત્તર પશ્ચિમ ભારત સાથે ગાઢ રીતે જોડાઈ જશે અને આ વાહનવ્યવહાર સરળ બનશે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતમાં આ કોરિડોરના અલગ અલગ વિભાગ માટેની કામગીરી ઝડપભેર આગળ વધી રહી છે. અને સપ્ટેમ્બર- 2023 સુધીમાં આ કોરિડોરને કાર્યરત બનાવવા તૈયારીઓ ચાલી રહી છે.
આ કોરિડોરની કુલ લંબાઈ 917 કિમી છે. રાજસ્થાનમાં 637 કિમી માર્ગ બની રહ્યો છે જેનો ખર્ચ રૂ.15,000 કરોડ છે. સમગ્ર કોરિડોરનો ખર્ચ રૂ.22,500 કરોડ છે. પંજાબમાં 155 કિમી અને ગુજરાતમાં 125 કિમી બનશે. હાલમાં આ કોરિડોર પર દરેક વાહન ઓછામાં ઓછાં 100 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે. આ 6લેન કોરિડોરને ભવિષ્યમાં 10લેન એક્સપ્રેસ વે બનાવી શકાય એ માટેની વ્યવસ્થા અત્યારથી વિચારી રાખવામાં આવી છે. નીતિન ગડકરીએ આ નિરીક્ષણ કર્યું ત્યારે રાજસ્થાનના સ્થાનિક સાંસદ રાહુલ કાસવાન પણ પ્રવાસમાં જોડાયા હતાં. આ તમામ વિગતો ખુદ કેન્દ્રીય મંત્રીએ મીડિયા સાથે શેયર કરી છે. આ એક્સપ્રેસ વે ભારતમાલા પરિયોજના અંતર્ગત બનાવવામાં આવી રહ્યો છે.