રણજીતસાગર રોડ પર એક નહિ બે નહિ પણ ચાર-ચાર દુકાનો મંજૂરી વિનાની.. કોણ જશે પાડવા..?

ભાજપના કોર્પોરેટર ચર્ચામાં...

રણજીતસાગર રોડ પર એક નહિ બે નહિ પણ ચાર-ચાર દુકાનો મંજૂરી વિનાની.. કોણ જશે પાડવા..?

Mysamachar.in-જામનગર:

જામનગર મહાનગરપાલિકામા ટાઉન પ્લાનીંગ અને એસ્ટેટ વિભાગ માત્ર ગરીબોના ઝુપડા તોડવા માટે જ સક્રિય છે, નહિ કે નેતાઓના દબાણ દુર કરવા...કોઈ નેતા કે વગવાળો વ્યક્તિ જો ક્યાય દબાણ કરે તો તેની સામે આંખમીચામણા પણ આ જ તંત્ર કરે છે, એવામા મનપાના ભાજપના જ એક કોર્પોરેટર દ્વારા પોતાને સીધી આંચ ના આવે તે માટે તેના કુટુંબીસભ્યને નામે ચારેક દુકાનો રણજીતસાગર રોડ પર મંજૂરી વિના ઉતારી લીધી છે, ત્યાં સુધી કે આ દુકાનોમા માત્ર રંગરોગાન બાકી છે, તેનો મતલબ એ કે આ દુકાનોનું કામ લાંબાસમયથી ચાલતું હશે, છતાં પણ ગરીબોના આશિયાના પર બુલડોઝર ફેરવી દેતા મનપાના બાહોશ અધિકારીઓને ધ્યાને આ મસમોટી દુકાનો આવી નથી,તે વાત આશ્ચર્ય પમાડે તેવી છે. જાણવા મળતી વિગતો મુજબ “વ્હાલા ભત્રીજા” નું નામ આગળ ધરીને પોતે બચી રહ્યા છે,જો કે હવે મંજૂરી મળશે તેવું રટણ થઇ રહ્યું છે, ત્યારે અન્ય આસામીઓ પણ પૂર્વ મંજૂરી વિના આ રીતે બાંધકામો ખડકી અને બાદમાં મંજૂરી મેળવશે તો ચાલશે કે કેમ  તે અંગે મનપાએ પદાધિકારીઓ અને કમિશ્નરે પોતાનો અભિપ્રાય સ્પષ્ટ કરવો જોઈએ.

-બાંધકામની મંજૂરી આપી નથી,. A.T.P.O
ભાજપના કોર્પોરેટરની કોઠાસુઝથી પડેલા ખેલની આ ગેરકાયદેસર દુકાનો અંગે જયારે મનપાના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનીંગ ઓફિસર ઉર્મિલ દેસાઈની પ્રતિક્રિયા લેવામા આવી ત્યારે તેણે કહ્યું કે અમે આ જગ્યા પર બાંધકામ માટેની કોઈ મંજૂરી આપી નથી અને જે  જગ્યાની વાત છે તેમાં માલિકીની જગ્યાનું પ્રમાણ ઓછુ છે, એ સિવાય સરકારી જગ્યા વધુ હોય તેમ અમને લાગે છે.જો મનપાની માલિકીની જગ્યા હશે તો એસ્ટેટ વિભાગ નોટીસ આપશે અને સરકાર હસ્તકની હશે તો રેવન્યુ ડીપાર્ટમેન્ટ નોટીસ આપશે..

-મંજૂરી જ નથી તો બાંધકામ ગેરકાયદેસર કહેવાય..તોડવું પણ પડે..
કોઈપણ બાંધકામ કરતાં પૂર્વે મંજૂરી લેવી નિયમ મુજબ જરૂરી છે, પણ અહી તો કોર્પોરેટર અને  એ પણ  પાછા ભાજપના કોપોર્રેટરના હાથ હોય પછી મંજુરીની શું જરૂર.?તેમ માનીને બાંધકામ થઇ ગયું અને તે પણ મંજૂરી વિના..તે વાત સ્પષ્ટ છે, માટે મંજૂરી વિનાનું બાંધકામ ગેરકાયદેસર કહેવાય ત્યારે હવે આ બાંધકામ તોડવું પણ એટલું જ જરૂરી છે.ત્યારે હથોડો કોણ ઉઠાવશે તે જોવાનું છે.