ચાર લોકોને લાડવા ખાવા પડ્યા ભારે ચેતવા જેવો છે આ કિસ્સો

એકની હાલત છે ગંભીર

ચાર લોકોને લાડવા ખાવા પડ્યા ભારે ચેતવા જેવો છે આ કિસ્સો

Mysamachar.in-ભાવનગર:

જો તમે મુસાફરી કરી રહ્યા છો તે પછી ટ્રેન, બસ કે પછી અન્ય કોઈ વાહન કેમ ન હોય પણ મુસાફરી દરમ્યાન એ વાતનું ધ્યાન ચોક્કસ રાખજો કે કોઈ અજાણી વ્યકિત તમને કોઈ ખાવા-પીવાની વસ્તુ આપે તો હજાર વખત વિચારજો કારણ કે ભાવનગરમાં સામે આવેલો આ કિસ્સો તમને ચોંકાવી દેશે, 

વાત છે ભાવનગરના ત્રાપજ ગામે ફરસાણની દુકાનમાં ત્રણ મહિલા અને એક પુરુષ કામ કરતા હોય દિવાળીનો તહેવાર નજીક હોવાથી ફરસાણની આઇટમો બનાવીને ગત મોડીરાત્રીના ત્રાપજથી ભાવનગર જવા માટે રસ્તા પર વાહનની રાહ જોઈને ઊભા હતા તેવામાં મોડીરાત્રી હોવાથી એક અજાણ્યો કારચાલક ત્યાથી પસાર થતાં કાર રોકી હતી અને તે ભાવનગર તરફ જતો હોવાનું કહ્યું જેથી ત્રણેય મહિલા અને પુરુષને પણ ભાવનગર જવાનું હોય કારમાં બેસી ગયા હતા,

દરમ્યાન ભાવનગર નજીક વરતેજ પાસે કારચાલકે કાર રોકીને નાસ્તો કરવા ગયો હતો અને કારમાં બેઠેલા ત્રણેય મહિલા અને પુરુષને નાસ્તો કરવાનો આગ્રહ કર્યો હતો જેથી આ લોકો માની જઇને લાડવા અને મીઠાઇ આરોગી હતી ત્યારબાદ બેભાન થઈ જતા ત્રણેય મહિલાઓના સોનાના દાગીના તેમજ પુરુષના સોનાનો ચેન, વીંટી વગેરેની લૂંટ ચલાવી કારચાલક કાર મૂકીને રફુચક્કર થઈ ગયો હતો,

દરમ્યાન ભાવનગરના વરતેજ પાસે બનેલા બનાવમાં બેભાન થયેલાઓને  આજે વહેલી સવારે ભાનમાં આવતા પોતે લૂંટાયા હોવાનું માલૂમ પડ્યું હતું અને પોલીસને આ બનાવની જાણ થતાં તાકીદે ઘટના સ્થળે દોડી જઇને લૂંટનો શિકાર બનેલ મહિલાઓ અને પુરુષને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે જેમાં એક મહિલાની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે અને વરતેજ પોલીસ દ્વારા આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.