હાલારના બન્ને જિલ્લાઓમાં સરકારી શાળાઓ તરફ વળ્યો પ્રવાહ, 3000 વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી

જામનગર તાલુકામાં સૌથી વધુ 976 વિદ્યાર્થીઓ નોંધાયા

હાલારના બન્ને જિલ્લાઓમાં સરકારી શાળાઓ તરફ વળ્યો પ્રવાહ, 3000 વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી
symbolic image

Mysamachar.in-જામનગર, દેવભૂમિ દ્વારકા

સરકારી શાળામાં પોતાના બાળકોને અભ્યાસ કરાવવાથી ઓછપ અનુભવતા વાલીઓએ હવે જાગૃત થયા છે, આ અમે નહી પણ ખુદ સરકારી આંકડાઓ બોલે છે અને આ આંકડાઓ સરકારી શાળાઓ તરફ વાલીઓનો વધી રહેલો વિશ્વાસ છે, જામનગર અને દ્વારકા આ બન્ને હાલારના જીલ્લાઓમાં અત્યારસુધીમાં 3000 જેટલા વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓને રામ રામ કરી અને સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવી લીધો છે, અને હજુ પણ આ કાર્યવાહી ચાલી રહી છે.સૌ પ્રથમ વાત જામનગર જીલ્લાની કરવામાં આવે તો જામનગર જીલ્લામાં 684 સરકારી શાળાઓ આવેલ છે આ સરકારી શાળાઓમાં 76654 વિદ્યાર્થીઓ નોંધાયેલા છે, આ વર્ષે હાલ સુધીમાં 1676 વિદ્યાર્થીઓએ ખાનગીમાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો હોવાનું જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એન.દવેએ Mysamachar.in સાથેની વાતચીતમાં કહ્યું...

હવે વાત દેવભૂમિ દ્વારકા જીલ્લાની કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અગાઉના વર્ષોમાં શિક્ષણનું કથળેલું સ્તર વાલીઓ સાથે જિલ્લાના લોકોમાં ચિંતાનું કારણ બની રહ્યું હતું. પરંતુ છેલ્લા વર્ષોમાં સ્થાનિક શિક્ષણતંત્રની જહેમત તથા શિક્ષણની સુધરતી ગુણવત્તા સહિતના વિવિધ પરિબળો વચ્ચે આ વર્ષે ખાનગી શાળામાંથી સરકારી શાળામાં સત્ર શરૂ થયાના વીસેક દિવસમાં 1211 વિધાર્થીઓએ પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવ્યો છે. તે બાબતને હકારાત્મક અને પ્રેરણારૂપ માનવામાં આવે છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાનું પ્રાથમિક શિક્ષણ હાલ ટકોરાબંધ માનવામાં આવે છે. જિલ્લામાં કુલ 632 પ્રાથમિક શાળાઓમાં શિક્ષણનું સ્તર ખૂબ જ ઊંચું આવ્યું છે. આ વર્ષ ખાનગી શાળાઓમાંથી સરકારી શાળામાં નોંધપાત્ર કહી શકાય તેટલા 1113 વિદ્યાર્થીઓએ પ્રથમ વીસ દિવસમાં પ્રવેશ લીધો છે. જેમાં અડધા-અડધ જેટલી સંખ્યા ખંભાળિયા તાલુકાની 532 તેમજ ભાણવડ તાલુકામાં 214, દ્વારકા તાલુકામાં 186, અને કલ્યાણપુર તાલુકામાં 181 વિદ્યાર્થીઓ હવે ખાનગી શાળાને અલવિદા કહી, અને સરકારી શાળામાં શિક્ષણ મેળવવા પ્રવેશ લઈ ચૂક્યા છે. ઉપરોક્ત સંખ્યામાં માધ્યમિક વિભાગમાં પ્રવેશ પામેલા વિદ્યાર્થીઓનો સમાવેશ થતો નથી.

-શા માટે વાલીઓ સરકારી શાળાઓ તરફ વળ્યા

ખાનગી શાળાઓમાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવવાનું મુખ્ય કારણ હાલ કોરોનાની વિકટ પરિસ્થિતિમાં ગરીબ તથા મધ્યમ વર્ગના લોકોની આર્થિક પરિસ્થિતિ થોડી નબળી બનવા ઉપરાંત નાણાકીય બચતને મહત્વનું પરિબળ માનવામાં આવે છે. આટલું જ નહીં, ખાનગી શાળાઓની તોતિંગ ફી હવે અનેક વર્ગને કોરોનાની પછડાટ બાદ ધંધા રોજગાર પડી  ભાંગતા પરવડે તેમ નથી આ વચ્ચે શિક્ષણની સંપૂર્ણ લાયકાત ધરાવતા શિક્ષકોની નવી કરવામાં આવેલી ભરતી, શિક્ષણની ગુણવત્તા વધારવા માટે શિક્ષકો ઉપરાંત અધિકારીઓની ધગસ, દુરદર્શન મારફતે શરૂ કરવામાં આવેલા કોર્સ, વિદ્યાર્થીઓને વિનામૂલ્યે અપાતા પાઠ્યપુસ્તક સહિતની સુવિધાઓ, વિગેરે બાબતથી પ્રભાવિત અનેક પરિવારો દ્વારા પોતાના સંતાનોનો સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ લેવામાં આવ્યો છે. અને ખાનગી શાળાઓ કરતા ચોક્કસ માપદંડમાંથી પસાર થઇ સરકારી શિક્ષકો યોગ્ય લાયકાત પણ ધરાવે છે.

-જામનગર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી એચ.આર.હડિયા સહિતની ટીમની જહેમતને મળ્યું ઝળહળતું પરિણામ

જામનગર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે જ્યારથી એચ.આર.હડિયાએ ચાર્જ સંભાળ્યો છે ત્યારથી તેવો આ તાલુકાના શિક્ષણક્ષેત્રે આગળ લઇ જવા કઈક વિશેષ કરી છૂટવાની ભાવના સાથે સતત ટીમવર્કને પ્રાધાન્ય આપી આગળ વધી રહ્યા છે, ખાનગી શાળાઓમાંથી વિદ્યાર્થીઓ સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવે તે માટે સ્થાનિક શિક્ષકો અને આચાર્ય સહીત ખુદ પોતે પણ વાલીઓને સરકારી શાળાઓ શું છે તે અંગે સમજૂત કરવામાં હડિયા સફળ રહ્યા જેના પરિણામ સ્વરૂપ હાલ જામનગર જીલ્લામાં 1676 વિદ્યાર્થીઓ પૈકી એકલા જામનગર તાલુકામાં જ 976 વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓને અલવિદા કહી જેતે ગામોની સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવી પોતાની અભ્યાસયાત્રા આગળ ધપાવી રહ્યા છે. અને હજુ આ કાર્યવાહી ચાલી રહી હોવાનું જાણવા મળે છે.