Mysamachar.in-ગુજરાત:
માણસ ખુશ થાય છે અથવા તો ખુશ હોય છે ત્યારે, પોતાનાં મનનો આનંદ વ્યક્ત કરવા ફટાકડા ફોડતો હોય છે. આતશબાજી લગભગ સૌને આકર્ષે છે. આવતીકાલે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓનું પરિણામ છે ત્યારે, ફટાકડા ફૂટવા સંદર્ભે બે-ચાર વાત કરી લઈએ.
વિધાનસભાની ચૂંટણીમાં હજારો ઉમેદવારો પોતાનું નસીબ ચમકાવવા અથવા અન્ય લોકોનાં નસીબમાં ટાંગ અડકાવવાની ઇચ્છાથી લડી રહ્યા છે. પરંતુ તે પૈકી માત્ર 182 ઉમેદવારો જ ફટાકડા ફોડી શકશે.બાકીનાં ફટાકડાનું શું થશે?! હાલમાં એક તરફ લગ્નોની સિઝન ચાલી રહી છે. જાનૈયાઓ ફટાકડાની ધૂમ ખરીદી કરી રહ્યા છે પરંતુ આવતીકાલે ચૂંટણી પરિણામો હોવાથી, વિવિધ રાજકીય પક્ષોનાં કાર્યકરો ફટાકડાનો સ્ટોક કરી રહ્યા છે. કેટલાંક ઉમેદવારો અને સમર્થકોએ તો ફટાકડા લેવાનું જ માંડી વાળ્યું છે! ધીમાં અને ઓછાં મતદાનને કારણે ઘણાં બધાં ઉમેદવારોને ચોખા પહોંચી ગયા છે કે, આપણો આમાં ગજ વાગશે નહીં ! વળી ત્રિપાંખિયો જંગ હોવાને કારણે ઘણાં ઉમેદવારો હજુ મનમાં પણ નક્કી કરી શક્યા નથી કે, પોતે જિતશે ?! આવાં ઉમેદવારો ફટાકડા ખરીદી સંદર્ભે પોતાનાં કાર્યકરોને તેલ અને તેલની ધાર જોવાં કહી છે. તેઓ જરૂર જણાશે તો, છેલ્લી ઘડીએ ફટાકડા ખરીદશે. ખાતર ઉપર દીવો કરવાથી ઘણાં ઉમેદવારો અને સમર્થકો બચી રહ્યા છે. જો કે ઘણાં ઉમેદવારો અને કાર્યકરો વિશ્વાસથી ભરપૂર છે, તેઓએ ફટાકડા ખરીદી લીધાં છે. ક્યાં ક્યાં, કેવડી આતશબાજી કરવી, કોને કોને સાથે રાખવા ? વગેરે ગોઠવણીઓ પણ થઈ ગઈ છે.
ફટાકડાનાં વેપારીઓ અને સ્ટોક કરનારાઓ મોજમાં છે. તેઓ ધંધામાં વિજેતા છે. દીવાળીમાં કમાણી કરી લીધાં પછી હવે તેઓને ખબર જ છે કે, નફો ગોદામ અથવા દુકાનમાં પડ્યો છે. હવે વકરો એટલો નફો ! તેઓને આ વર્ષે ડબલ ધમાકાનો આનંદ માણવાની તક મળી છે. ઘણાં ઉમેદવારો સૌની વાદે ફટાકડા તો ખરીદશે પરંતુ એ ફટાકડા આવતી દીવાળીએ ઘરમાં છોકરાં ફોડશે ! ઘણાનું ચૂંટણીમાં સૂરસૂરિયું થવાનું છે, તેઓ ફટાકડા કેવી રીતે ફોડી શકે ?! આજે પરિણામનાં આગલા દિવસે ફટાકડા બજાર ટાઈટ છે. શાણા વેપારીઓ નફામાં કોઈ જ મર્યાદાપાલન કરતાં હોતાં નથી !
-જાનૈયાઓનો મરો થયો ! તેજીનો માર
આવતીકાલે ચૂંટણી પરિણામો હોવાથી બજારમાં છેલ્લા એક સપ્તાહથી ફટાકડા બજારમાં ભાવો સળગી રહ્યા છે. જેને કારણે વરરાજાઓનાં યાર દોસ્તો અને વડિલોએ મોંઘા ભાવે ફટાકડા ખરીદવા પડી રહ્યા છે ! જો કે, મોંઘા ફટાકડા પણ આનંદ તો આપે જ. આનંદ ચીજ જ એવી છે. આ વખતે ચૂંટણીને કારણે ફટાકડા મોંઘાદાટ હોવા છતાં લગ્નોમાં છૂટથી ફૂટી રહ્યા છે. ઘણાં વેપારીઓએ લગ્નગાળો અને ચૂંટણી એમ બંને પ્રસંગો માટે મહિનાઓ પહેલાં જ ફૂલ સ્ટોક કરી લીધો હતો. બિઝનેસમાં એડવાન્સ રહેવાનો લાભ તો મળતો જ હોય છે. આવતીકાલે ચૂંટણી પરિણામો સમયે, બાળકોને વગર દીવાળીએ બીજી દીવાળી માણવા મળશે.