શહેરના પોષ વિસ્તારમાં મોંઘીદાટ ગાડીઓ અને બાઈક સાથે સપાટા મારતા નબીરાઓના વાહનો થયા ડીટેઈન

આ વિસ્તારમાં શાંતિનો અહેસાસ કરાવવો જરૂરી

શહેરના પોષ વિસ્તારમાં મોંઘીદાટ ગાડીઓ અને બાઈક સાથે સપાટા મારતા નબીરાઓના વાહનો થયા ડીટેઈન
symbolic image

Mysamachar.in-જામનગર

જામનગર શહેરના પોષ વિસ્તારોમાં અમુક તત્વોનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે ના પૂછો વાત, મોંઘીદાટ ગાડીઓ બેફામ હંકારી અને સીન મારવા જાણે રોજનું બની ગયું છે, એવામાં ગત સાંજે જામનગરમાં પોલીસ દાદાએ આવા વાહનો પર તવાઈ બોલાવી દીધી અને મોંઘીદાટ કાર અને બાઈક ડીટેઈન કરી અને અનેક ભલામણો છતાં વાહનો છોડ્યા નહોતા..

જામનગર જીલ્લામાં વાહન ચોરીના તેમજ ઘરફોડ ચોરીના બનતા બનાવોને અટકાવવા તેમજ અન્ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા પોલીસ અધિક્ષક દિપન ભદ્રન તથા મદદનીશ પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સુચના મુજબ પોલીસ ઈન્સપેકટર કે.જે.ભોયે તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પેલેસ રોડ, સંજીવની મેડીકલ પાસે અમુક ઇસમો મોંઘીદાટ ફોરવ્હીલો ફેન્સી નંબર પ્લેટ તથા બ્લેક ફીલ્મો લગાડી અડીંગો જમાવી બેસેલ જોવામાં આવતા તુરત ત્યાં જઇ એન્ડેવર, વર્ના, મર્સીડીઝ જેવી મોંઘીદાટ ગાડીઓ તેમજ બાઇક ડીટેઇન કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે. પોલીસની આ કાર્યવાહી સરાહનીય છે પણ આ વિસ્તાર જે મોટાભાગનો રહેણાક છે તેમાં રાત પડે ને છેલ્લા કેટલાક દિવસોથી ઘોડાગાડીઓનું દુષણ દિનપ્રતિદિન વધી રહ્યું છે જેને લઈને અકસ્માતો થવાનો ભય પૂરો હોય તેના પર જરૂરી કાર્યવાહી થાય તેવી પણ આ વિસ્તારના લોકોની આશા છે.