પતિ વિદેશ સાથે ન લઇ જતા ભેજાબાજ પત્નીએ કર્યું આવું...

પતિ-પત્નીનો ચોંકાવનારો કિસ્સો

પતિ વિદેશ સાથે ન લઇ જતા ભેજાબાજ પત્નીએ કર્યું આવું...
પ્રતિકાત્મક તસવીર

Mysamachar.in-અમદાવાદઃ

સ્ત્રી હઠ વિશે તો તમે સાંભળ્યું જ હશે, સ્ત્રી જ્યારે કોઇપણ વસ્તુ માટે જીદ કરી બેશે તો તે તેને ગમે તે શરતે પ્રાપ્ત કરીને જ જંપે છે, આવી જ એક ઘટના અમદાવાદમાં સામે આવી છે. અહીં એક પતિ તેની પત્નીને વિદેશ સાથે ન લઇ જતાં તેની પત્નીએ પતિ પણ વિદેશ ન જઇ શકે તે માટે અનોખી રીત અપનાવી, સમગ્ર મામલો છેક પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો, તો ઘટના જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કેનેડામાં રહીને સીએનો અભ્યાસ કરતાં નિકુંજ ભુતાણી હાલ અમદાવાદ રહેતા તેના ભાઇના ઘરે રહે છે. નિકુંજે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેની પૂર્વ પત્નીએ લગ્ન સમયે આપેલા પતિના ડોક્યુમેન્ટનો ખોટી રીતે ઉપયોગ કરી ત્રણ મોબાઇલ ફોન ખરીદી છેતરપિંડી આચરી છે. નિકુંજનું કહેવું છે કે તે કેનેડા હતો અને તેની પત્ની પણ કેનેડા જવા જીદે ચઢી હતી પણ તેને લઇ ગયો ન હતો. જેથી તેનો બેંક સિબિલ બગડે અને તે વિદેશ ન જઇ શકે તે હેતુથી પૂર્વ પત્નીએ તેના પિતા અને યુવકના સાઢુભાઇ સાથે મળી આ ઠગાઇ આચરી હોવાનો આક્ષેપ કરાયો છે.

નિકુંજે તેની પૂર્વ પત્ની, પૂર્વ સસરા અને પૂર્વ સાઢુભાઇ સામે સોલા પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં નિકુંજે જણાવ્યું કે તેમણે રાજકોટની રિધ્ધી મહેતા સાથે પરિવારની હાજરીમાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ રિધ્ધીને કેનેડા સેટલ કરવા માટે યુવકના સાસરિયાઓ દબાણ કરતા હતા. પરંતુ પત્નીને સેટલ ન કરતા હોવાથી નિકુંજ સામે રિધ્ધીએ રોજકોટ મહિલા પોલીસમાં અરજી કરી હતી પણ બાદમાં સમાધાન કરી લીધું હતું. ત્યારબાદ છુટાછેડાના દસ્તાવેજ કરવામાં આવ્યા હતા. જેમાં ખોટી અરજીઓ કરી ફસાવી દેવાની ધમકીઓ આપી હતી. અને નિકુંજનો પાસપોર્ટ પણ રિધ્ધી અને તેના પિતાએ કસ્ટડીમાં રાખ્યો હતો. જે પાસપોર્ટ પાછો આપ્યો ન હતો. તારીખ 5મી સપ્ટેમ્બરના રોજ નિકુંજભાઇ ઘરે હતા ત્યારે બેંકમાંથી પૈસા ડેબિટ થયા હોવાનો મેસેજ આવ્યો હતો.

નિકુંજનું બેંક એકાઉન્ટ મુંબઇ દહીસર ખાતે હોવાથી તેમણે ત્યાં તપાસ કરી તો જાણવા મળ્યું કે અમદાવાદમાં એસજી હાઇવે પર કાંકરિયા અને હિમાલયા મોલના એક શોરૂમમાં તેમના જૂના ડોક્યુમેન્ટ પરથી તેમના સાઢુભાઇ, પત્નીએ ખોટી સહીઓ કરી લોન લઇને મોબાઇલ લીધા છે. સ્ટોરના લોકોએ કહ્યું કે આ માહિતીઓ મેળવવા માટે પોલીસ ફરિયાદ કરવી પડે. જેથી નિકુંજે ફરિયાદ નોંધાવી સીસીટીવી સહિતના પુરાવાઓ એકત્રિત કરી બેન્કનો સંપર્ક કરી સાઢુ રિતેશ માવાણી, પૂર્વ પત્ની રિધ્ધી અને તેના પિતા સામે ફરિયાદ નોંધાવી હતી.