પૂર્વ પત્નીને બદનામ કરવા પૂર્વ પતિએ કર્યું કઈક આવું..

બીજા લગ્ન ન થાય તેવો હતો ઇરાદો

પૂર્વ પત્નીને બદનામ કરવા પૂર્વ પતિએ કર્યું કઈક આવું..
પ્રતિકાત્મક તસ્વીર

Mysamachar.in-અમદાવાદ:

અમદાવાદ જિલ્લાના સાણંદમાં એક યુવકે તેની પૂર્વ પત્નીને પરેશાન કરવા માટે  સોશ્યલ મીડિયા પર ફેક પ્રોફાઈલ બનાવી તેના ફોટા મૂકી દીધા હતા,જે સોશ્યલ મીડિયામાં એક યુવતીના નામના ફેક એકાઉન્ટ પરથી મૂકવામાં આવ્યા હતા. જેમાં મહિલાની અંગત પળોના ફોટા પર અપલોડ થયા હતા.જ્યારે મહિલાને આ અંગેની જાણ થઈ ત્યારે તે પરેશાન થઈ ગઈ હતી.પરંતુ તેણે હિંમત દાખવીને સાઈબર ક્રાઈમ પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને આ ગુન્હામાં બીજું કોઈ નહી પરંતુ ફરિયાદીનો પૂર્વ પતિ જ હોવાનું સામે આવ્યું છે,

ખૂબ જ શરમજનક કહી શકાય તેવા આ મામલામાં ફરિયાદી બહેન અને આરોપી પતિપત્ની હતા ત્યારે આરોપી એવા પતિએ પતિ-પત્ની વચ્ચેની અંગત પળોના ફોટાઑ પાડ્યા હતા. જે બાદ પતિ-પત્ની વચ્ચે મનમેળ ન થતાં બંને વચ્ચે છૂટાછેડા પણ થયા હતા.જે બાદ પોતાની પૂર્વ પત્નીનો બીજે સંબંધ ન બંધાય અને તે બદનામ થાય તેના માટે પતિએ પત્નીને બદનામ કરવા માટે અંગતપળોના ફોટાઓનો ઉપયોગ કર્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. 

સાઇબર ક્રાઇમ દ્વ્રારા હાથ ધરવામાં આવેલ વધુ તપાસમાં એવું પણ સામે આવ્યું કે યુવતીના નામનું ફેસબુક એકાઉન્ટ વાસ્તવમાં એક પુરુષે બનાવ્યું હતું, અને પોલીસે આ દિશામાં વધુ તપાસ કરી સાણંદ તાલુકાના દોધર ગામમાં રહેતા કનુભાઈની ધરપકડ કરતાં તેણે પોલીસ પૂછપરછમાં જણાવ્યું હતું કે, આ કેસના ફરિયાદી મહિલા સાથે તેના લગ્ન એપ્રિલ 2018માં થયાં હતાં જો કે પતિપત્ની વચ્ચે અણબનાવ થતાં તેમણે છૂટાછેડા લીધા હતા. આથી મહિલાને પાઠ ભણાવવા માટે તેમણે આ રીતે કર્યું હોવાની કેફિયત પોલીસને આપી હતી,

પોતાની પૂર્વ પત્ની તેનાથી છુટાછેડા લઈ અન્ય કોઈ પુરૂષ વૈવાહીક જીવન જીવે તેવું નહીં ઈચ્છતા કનુભાઈએ તેને બદનામ કરી કોઈ તેની સાથે  પુન:લગ્ન ન કરી શકે તેવા ઈરાદાથી આ કૃત્ય કર્યું હતું. આવું કરવા માટે તેણે મીના વાધેલા નામ ઘારણ કરી ફેક ફેસબુક એકાઉન્ટ પણ બનાવ્યું હતું. જેમાં મહિલાની સાથેના પોતાના અંગત પળોના ફોટાને એડીટ કરી મહિલાની જ બદનામી થાય તે રીતે ફોટા અપલોડ કર્યા હતા.

મહિલા આ બાબતથી અજાણ હતી, જો કે તેણે પોલીસ ફરિયાદ નોંધાવતા આરોપી તેનો પૂર્વ પતિ નીકળ્યો હતો. સાઈબર ક્રાઈમે મહિલાનાં ફોટાનો દુરુપયોગ કરવાના ગુન્હામાં આરોપી પૂર્વ પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.