દ્વારકામાં હોસ્પિટલ તો બની પણ ડોક્ટરો સિવાય બધું જ છે..!

સ્થાનિક નેતાગીરી નબળી?

દ્વારકામાં હોસ્પિટલ તો બની પણ ડોક્ટરો સિવાય બધું જ છે..!

mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

જીલ્લાના દ્વારકા તાલુકામાં રાજ્યસરકાર દ્વારા ૫ કરોડ ના ખર્ચે ૫૦ બેડની અધ્યતન ટેકનોલોજી વાળી હોસ્પિટલનું નિર્માણ કાર્ય તો પુરુ થઇ ગયું છે,અને સ્થાનિક ધારાસભ્ય અને સ્થાનિક ભાજપના આગેવાનો હોસ્પિટલનું લોકાર્પણ તો કરી નાખ્યું...પણ ખરેખર હોસ્પિટલમાં જેની પ્રાથમિક જરૂર છે તેવા તબીબો જ આ હોસ્પિટલમાં નથી,તો હોસ્પિટલ શું કામની તે સવાલ દ્વારકાની જનતાને સતાવી રહ્યો છે,

દ્વારકામા સરકાર દ્વારા હોસ્પિટલ નું નિર્માણ તો મોટાઉપાડે કરવામાં આવ્યું પણ ખાટલે મોટી ખોટ એ છે કે આ હોસ્પિટલ મા તબીબ સહિતના સ્ટાફનો જ અભાવ છે,જેનો સ્વીકાર ખુદ હોસ્પિટલ તંત્ર પણ કરી રહ્યું છે,દ્વારકા તાલુકા ઉપરાંત આસપાસના ગ્રામજનોને પણ આ હોસ્પિટલ બંધાતા આશા પણ બંધાઈ હતી કે હોસ્પિટલમાં તબીબો સહિતની સુવિધા થશે તો દર્દીઓને પરેશાની દુર થશે પણ આવું થયું નહિ અને આ હોસ્પિટલનું સુંદર મજાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તો તૈયાર થઇ ગયું પણ સ્થાનિક નેતાગીરી ની નબળાઈ કહો કે પછી અન્ય કાઈ આ હોસ્પિટલ તો શરૂ થઇ પણ માત્ર ખોખું બનીને રહી જવા પામ્યું છે,કુલ ૧૦ તબીબોની મંજુર થયેલ જગ્યામાં થી માત્ર હાલ માત્ર બે જ તબીબો સેવા આપે છે,ઉપરાંત લેબ ટેકનિશિયન ની જગ્યા તો છેલ્લા ચાર ચાર વર્ષથી ખાલીખમ પડી છે,તેના કારણે મંજૂરી હોવા છતાં પણ બ્લડસ્ટોરેજ યુનીટ બંધ કરવાની પણ થોડા મહિનાઓ પૂર્વે ફરજ પડી હોવાનું જાણવા મળી રહ્યું છે,ફાર્માસીસ્ટ ની કુલ ૩ જગ્યાઓ હતી તે જગ્યાઓ લાંબા સમય સુધી ના ભરાતા સરકાર દ્વારા ત્રણ મા થી બે પરત ખેંચી લેવામાં આવી હતી અને ૧ જગ્યા હાલમાં છે તે પણ ખાલી છે,તો નર્સિંગ સ્ટાફની પણ ઘટ હોવાનું સામે આવી રહ્યું છે,

દ્વારકા અને આસપાસના સ્થાનિકોની એવી તો કરુણતા છે કે અલગ અલગ જીલ્લાઓમા થી આ હોસ્પિટલમા  એક એક ડોક્ટર ડેપ્યુટેશન પર મૂકી અને માંડમાંડ ગાડું આ ખોખા જેવી હોસ્પિટલમા ગબડાવવામાં આવી રહ્યું છે,અને દર્દીઓને એક જ નિષ્ણાત તબીબ ની સેવા મળવામા પણ અગવડતા પડે છે,એવામાં જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો અહી એનેસ્થેસિયા તબીબ જ નથી કે ઓપરેશન સહિતની સારવાર માટે ગાડું આગળ વધી શકે,તો હોસ્પિટલનો મતલબ શું.?

આટલી મોટી સરકારી હોસ્પિટલમાં ત્રણ ત્રણ તો ઓપરેશન થીયેટર જેમાં મેઈનઓ.ટી,લેપ્રોસ્કોપી ઓ.ટી.અને ઇન્ફેકશન ઓ.ટી નો સમાવેશ થાય છે,ઉપરાંત પ્રસુતા મહિલાઓ માટે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ નો લેબરરૂમ પણ બનાવવામાં આવ્યો છે,પણ અહી સૌથી મોટી સમસ્યા જ એ છે કે તબીબો વિના કરવું શું..?ત્યારે સ્થાનિક નેતાઓ એ પણ આ મામલે રુચિ દાખવી અને તબીબ સહિતના સ્ટાફની ઘટ ભરવામાં આવે તેવા પ્રયાસો કરવા જોઈએ તેવું પણ સ્થાનિકોનું માનવું છે,

આમ રાજ્યસરકાર ભલે દર્દીઓના હિતની વાતો કરે પણ ખરેખર શું સ્થિતિ છે તે વાસ્તવિકતા નું ચિત્ર ક્યાંક ને ક્યાંક દ્વારકાની નવી બનેલ સરકારી હોસ્પિટલ બતાવી રહી હોય તેમ લાગી રહ્યું છે.