ઓછી મહેનેતે વધુ રૂપિયા કમાવવા 2000 ની નકલી નોટો છાપવા માંડ્યા પણ..
પોલીસને આવી ગઈ ગંધ..અને સમગ્ર રેકેટનો આ રીતે થયો પર્દાફાશ

Mysamachar.in-ભાવનગર:
દેશના અર્થતંત્રને ખોખલું કરવાના એક મોટા રેકેટનો પર્દાફાશ ભાવનગરમાં થયો છે.સામાન્ય સાધનોની મદદ વડે ઓછી મહેનતે વધુ રૂપિયા કમાઈ લેવાની લહાયમાં 2000 ની નકલી ચલણી નોટો છાપવાના રેકેટને ભાવનગર એસઓજીએ ખુલ્લું પાડી દીધું છે.આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ..ભાવનગર એસઓજીને મળેલી બાતમીના આધારે ભાવનગર શહેરના ઘોઘારોડ ગાયત્રીનગર વિસ્તારમાં આવેલી શ્રીરામ સોસાયટીમાં દરોડો પાડી તલાસી લેતા..
ભારતીય અર્થતંત્રને નુકસાન પહોંચાડવાના ઇરાદે પૂર્વ આયોજીત રીતે કાવત્રુ રચી પોતાનો સમાન ઇરાદો પાર પાડી આર્થિક લાભ મેળવવા બનાવટી ચલણી નોટોનો ખરા તરીકે ઉપયોગ કરવાનો હેતુ પાર પાડવા ગેરકાયદેસર રીતે રૂ.2000 ના દરની બનાવટી ભારતીય ચલણી નોટો, કલર પ્રિન્ટર, ઝેરોક્ષ, સ્કેનર વડે છાપી રૂપિયા 2000 ના દરની બનાવટી ચલણી નોટ નંગ-6951 જેનું અંકિત બજાર મુલ્ય 1,39,02,000 સાથે મળી આવી તથા બનાવટી નોટ છાપવા સાધન સામગ્રીનો ઉપયોગ કરી કબ્જામાં રાખી રોકડ રૂપિયા 17050 તથા કલર સ્કેનર પ્રીન્ટર ઝેરોક્ષ મશીન-1 ફુટપટ્ટી-3 તથા મોબાઇલ ફોન-5, આધારકાર્ડ-4, ભાડાકરારની નકલ-1 વિગેરે મળી કુલ કિ.રૂ.1,97,700 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
આ અંગે પોલીસે હિરેન રમેશભાઇ, હાર્દિક ભુપતભાઇ, પંકજ જીવાભાઇ, અયુબ ઉસ્માનભાઇ, મેરાજ કુરશીભાઇની ધરપકડ કરી હતી. જ્યારે સુરેશભાઇ મોહનભાઇ, જાવેદ હાજીભાઇ સરમાળી અને મહંમદરફિક ઉસ્માનભાઇ કુરેશીને ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એ જાલી નોટ કાંડમાં સંડોવાયેલ આઠ શખ્સો વિરુદ્ધ સ્થાનિક ભરતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. એક જ સરખા દરની આટલી મોટી જાલીનોટો નો જથ્થો મળી આવતા આ કેસની રાજ્યભરમાં ચર્ચાઓ થઇ રહી છે,
આમ આરોપીઓએ ઓછી મહેનતે વધુ નફો કમાવવા અને ધનવાન બનવાની લાલચે કાવતરું રચી મુંબઈ ખાતેથી પ્રિન્ટર લાવ્યા બાદ બનાવટી ચલણી નોટ છાપવાનું શરૂ કર્યું હતું અને બનાવટી ચાલની નોટ બજારમાં વહેતી મૂકે તે પહેલા જ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે ઓપરેશન પાર પાડી પાંચ આરોપીઓને ઝડપી જાલીનોટના આ મસમોટા રેકેટને ઉઘાડું પાડી દીધું છે.ભાવનગર રેંજ આઈ.જી અશોક યાદવના જણાવ્યા પ્રમાણે આ આરોપીઓનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તે સહિતના તમામ ઝીણવટભર્યા પાસાઓ પર પોલીસે તપાસ કેન્દ્રિત કરી છે.