Mysamachar.in-અમદાવાદ
દેશના અર્થતંત્રને ખોખલું કરવા માટે કેટલાક ઈસમો જાલીનોટો બજારમાં ફરતી કરે છે, અમદાવાદમાં આવો જ એક વધુ કિસ્સો સામે આવ્યો જેમાં રામોલ પોલીસે બે પુરૂષ અને એક મહિલાને લાખો રૂપિયાની નકલી નોટ સાથે ઝડપી છે. નકલી ચલણી નોટોને દક્ષિણ ભારતથી લાવીને દિવાળીના તહેવાર દરમિયાન ગુજરાતના બજારમાં ફરતી કરવાના હતા. જોકે, આ નકલી નોટો ફરતી થાય તે પહેલાં જ રામોલ પોલીસે મહિલાના ઘરે તેમજ અન્ય જગ્યાએથી નકલી રૂપિયાની નોટો રિકવર કરી હતી. જાણવા મળતી વિગતો મુજબ પોલીસને બાતમી મળી હતી કે, કેટલાક લોકો દિવાળીના તહેવાર દરમિયાન માર્કેટમાં નકલી નોટ ફરતી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે વિકેશ વનિયર, મિતેષ વાઘેલાની અટકાયત કરી હતી.
જેમની પાસેથી પોલીસને 500ના દરની 1 લાખથી વધુની નકલી ચલણી નોટ મળી હતી. પોલીસે તેમની ઉલટ તપાસ કરતા તેમની સાથે એક મહિલા અલકા જોશીની કડીથી મળી હતી. નકલી નોટના રેકેટમાં અલકા પણ સામેલ હતી. જેથી પોલીસની ટીમે તેના ઘરે રેડ કરતા એના ઘરમાંથી 2000 અને 500ના દરની 2 લાખ 20 હજારની નકલી નોટ મળી આવી હતી. આ અંગે પોલીસે ત્રણેય આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, આ નકલી નોટ તેઓ તમિલનાડુના સેલમ ખાતેથી મગાવી હતી .જે નોટના 60/40ના રેશિયા સાથે કમિશન મળવાનું હતું. હાલ સુધીમાં ઝડપાયેલા આરોપીઓએ બજારમાં કેટલી નોટ ફરતી કરી છે તે અંગેની તપાસ હાથ ધરી છે.