Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા પોતાની શાખાને ‘અંગત જાગીર’ લેખીને ચાલી રહી છે ! આ શાખાની કામચોરી અને ભ્રષ્ટાચાર શહેરમાં કોર્પોરેશનની વગોવણી માટે જવાબદાર હોવાની સ્થિતિ જોવાં મળી રહી છે. અનેક વખત ખુદ શાસક પક્ષ અને વિપક્ષે પણ ફટકારી હોવાં છતાં આ શાખાની ચામડી મગર કરતાં પણ વધુ જાડી હોય, એવું દેખાઈ રહ્યું છે. શહેરમાં હજારો હોર્ડિંગ્સ મંજૂરી વિના લટકતાં જોવા મળતાં હોય છે. જેનાં ભાડાંની આવક પ્રજાની એટલે કે, કોર્પોરેશનની તિજોરીમાં જમા થવાને બદલે અન્યત્ર જમા થતી હોવાનાં આક્ષેપ અવારનવાર થતાં રહે છે.
શહેરમાં હોસ્પિટલ રોડ સહિતના ઘણાં રોડ એવાં છે જ્યાં ડીવાઈડર પર ખૂબ ઓછી ઊંચાઈએ પાટીયા ઝૂલતાં હોય છે. જે પૈકી ઘણાં પાટીયા ત્રાંસા પણ હોય છે. ટુ વ્હીલર સહિતનાં વાહનચાલકો આવાં બોર્ડને કારણે સતત અકસ્માતની દહેશત હેઠળ વાહનો ચલાવતાં હોય છે. ઘણાં અકસ્માત પણ થતાં રહે છે. વાહનચાલકોને ઈજાઓ પણ પહોંચતી હોય છે. શહેરનાં વિવિધ મુખ્ય માર્ગો અને ચોકમાં હજારોની સંખ્યામાં જાહેરાતોના બોર્ડ હોય છે. જે પૈકી ઘણાં બોર્ડ એસ્ટેટ શાખાનાં રેકર્ડ પર હોતાં પણ નથી ! ઉપલી કમાણી આ શાખાનો મુખ્ય બિઝનેસ હોવાં અંગે અવારનવાર ચર્ચા ઉઠે છે, રજૂઆતો અને ફરિયાદો થતી રહે છે. કોર્પોરેશનની વગોવણી માટે જવાબદાર એવી આ શાખાને અંકુશમાં લેવા કમિશનર તથા પદાધિકારીઓએ ધ્યાન આપવું જોઈએ એવી લોકલાગણી જોવા મળી રહી છે.
એસ્ટેટ શાખા દેખાડાઓ કરવામાં માહિર છે. બહુ ફરિયાદો થાય પછી, પાંચ પચ્ચીસ પાટીયા ઉતારી, ફોટાઓ ખેંચાવી, પ્રસિદ્ધી મેળવી, ફરી પોતાની ગજચાલમાં મસ્ત બની જાય છે ! શહેરમાં બોર્ડ અને પાટીયાના જંગલો યથાવત્ રહે છે, જેને કારણે કોર્પોરેશનની તિજોરીને નુકસાન થાય છે. વેકેશન દરમિયાન, શાળા કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા ચાલુ હોય ત્યારે પણ શહેરમાં બોર્ડ પાટીયાઓના જંગલ જોવા મળે છે. એડમિશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, આ શાખાનાં બહાદુરો કામગીરીનો દેખાડો કરવા રોડ પર આવી જતાં હોય છે. આ શાખાને અવારનવાર જનરલ બોર્ડની બેઠકોમાં પણ ફટકાર પડે છે પરંતુ મગર કરતાં પણ વધુ જાડી ચામડી ધરાવતી આ શાખા સુધરવાનું નામ લેતી નથી ! કમિશનરે આ શાખાની ઉલટ તપાસ કરવી જોઈએ, એવું પણ જાણકારો માની રહ્યા છે.