સરકારી વાહનમાં કર્મચારીઓ ભાજપના ઝંડાઓ લગાવવા નીકળતા આશ્ચર્ય

ફોટાઓ વાઈરલ થતા ચીફ ઓફિસરે માંગ્યો ખુલાસો  

સરકારી વાહનમાં કર્મચારીઓ ભાજપના ઝંડાઓ લગાવવા નીકળતા આશ્ચર્ય

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

સરકારી વાહનમાં કર્મચારીઓ શહેરમાં ભાજપના ઝંડાઓ લગાવવા નીકળતા આશ્ચર્ય સાથે રોષ જોવા મળી રહ્યો છે, ભાજપ શાષિત ખંભાળિયા નગરપાલિકાની આ કામગીરી સામે કેટલાક જાગૃત લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે, ખંભાળિયા નગરપાલિકાના કર્મચારીઓ પાલિકાના જ વાહનમાં ભાજપના ઝંડાઓ શહેરમાં ઇલેક્ટ્રિક પોલ પર લગાવવા નિકળ્યા હોવાનો વીડિયો વાયરલ થતા સમગ્ર મુદ્દો શહેરમાં ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. અને ચોતરફથી આ મામલે ટીકાઓ થઇ રહી છે જો કે આ બાબત સોશ્યલ મીડિયામાં વાઈરલ થતા અને ચીફ ઓફિસરને ધ્યાને આવતા સંબંધિત શાખાને નોટિસ આપી ત્રણ દિવસમાં ખૂલાસો રજુ કરવા જણાવ્યું છે,

ખંભાળિયા નગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી ધરાવતા શાસકપક્ષ ભાજપ સત્તાનો ખુલ્લેઆમ દુરૂપયોગ કરતો હોય તેવા આક્ષેપ સાથે શહેરના રામનાથ સહિતના કેટલાક વિસ્તારોમાં નગરપાલિકાના કર્મચારીઓ જાણે શાશકપક્ષ ભાજપના કાર્યકરો હોય તેમ પાલિકાના વાહન રીક્ષામાં ભાજપના ઝંડા લગાડવા નિકળી પડયા હોવાનો વીડિયો વાયરલ થયો હતો.હવે આ ઝંડા લગાવવાનું કામ કોના કહેવાથી કરી રહ્યા હતા તે પણ સામે આવવું જરૂરી હોય તેમ લાગે છે, કારણ કે કર્મચારીઓને કરવાની કામગીરીને બદલે આવી કામગીરી કરવા પાછળ કોનો દોરીસંચાર છે તે સામે આવવું જરૂરી છે, તેમ પણ જાગૃત લોકો માને છે,

ઝંડા લગાડતા પાલિકાના કર્મચારીઓના વાહનોના ફોટા સોશિયલ મીડિયામાં વહેતા થતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ બાબત ધ્યાને આવતા ચીફ ઓફિસર દ્વારા સંબંધિત શાખાના કર્મીઓને નોટિસ આપી ખૂલાસો રજુ કરવા જણાવાયું છે.હવે નોટીસ બાદ શું ખુલાસાઓ થશે તે જોવાનું છે.