Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા એલસીબીની ટીમને વધુ એક સફળતા મળી છે,અને અલગ મોડસ ઓપરેન્ડીથી નજર ચૂકવી અને પૈસા અને કીમતી ઘરેણાઓની ચોરી કરતી આંતરરાજ્ય “સાંસી” ગેંગને ઝડપી કેટલાય ગુન્હાઓનો ભેદ એલસીબી દ્વારકાના પી.આઈ.જે.એમ.ચાવડાના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા કુનેહપૂર્વક ઉકેલી દેવામાં આવ્યા છે. જે ગેંગ એલસીબીને હાથ લાગી છે તે મધ્યપ્રદેશ રાજ્યના રાજગઢ જિલ્લાના બોડા પોલીસ સ્ટેશનની હદમાં આવતા ગામડાઓના અમુક માણસો દ્વારા દેશના વિવીધ-શહેરોમાં લગ્ન-પ્રસંગોમાં જઇ કીમતી વસ્તુઓ પૈસાની નજર ચુકવી ચોરી કરવી તેમજ બેંક આજુ-બાજુના વીસ્તારોમાં નજર ચુકવી પૈસાની ચોરી કરવાની મુખ્ય મોડસ ઓપરેન્ડી હોવાનું બહાર આવ્યું છે,
ગેગના માણસો પહેલા તો ફોરવ્હીલ ગાડી ભાડે કરી માઇનોરબાળકો તથા સ્ત્રીઓને સાથે રાખી મોટા શહેરોમાં હોટલોમાં લગ્ન પ્રસંગ રીસેપ્શનમાં બાળકો તથા સ્ત્રીઓ દ્વારા ચોરી કરાવવી તેમજ પાંચ-છ પુરૂષોની એક ટીમ બનાવી તેમાં બે માઇનોર બાળકોને સાથે રાખી બેન્કની આજુ-બાજુના ભીડ-ભાડવાળા વિસ્તારોમાં પુરૂષોની ચાર સભ્યોની ટીમ બજારમાં જાય છે અને ફોરવ્હીલ ગાડી સાથે એક માણસ બજારની નજીકમાં રહે છે, બજારમાં બે સભ્યો કોઇ પૈસાની થેલી લઇ જતા માણસને ટાર્ગેટ કરે છે તેમજ બીજા બે માણસો ટાર્ગેટ કરેલ માણસનું ધ્યાન ભટકાવી નજર ચૂકવી મોકો મળે ત્યારે ચોરી કરી નીકળી જતા હોવાની છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા થોડા સમયગાળા દરમિયાન ચોરી સહિતના ગુનાઓ નોંધાયા હતા. આ સમગ્ર પ્રકરણમાં ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડાની રાહબરી હેઠળ એલસીબી પોલીસને વ્યાપક પ્રમાણમાં ચોરી અંગેના ગુના સાથે સંડોવાયેલી આંતરરાજ્ય ગેંગને પકડી પાડવામાં સફળતા મળી છે. એલસીબી પોલીસે ત્રણ શખ્સો તથા એક કિશોરને રૂપિયા પોણા સાત લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. પકડાયેલા આ શખ્સોએ દેશના જુદા-જુદા વિસ્તારોમાં 28 જેટલી ચોરીની કબુલાત આપી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે એક માસ પૂર્વે તા. 12 નવેમ્બરના રોજ એક બેન્કમાંથી રોકડ રકમ ઉપાડીને જઈ રહેલા એક આસામીની નજર ચૂકવીને રોકડ રકમ ભરેલી થેલીની ચોરી થયાનો બનાવ સ્થાનિક પોલીસમાં નોંધાયો હતો. આ પ્રકરણ સંદર્ભે ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા વિશાલકુમાર વાઘેલાની સુચના મુજબ એલસીબી વિભાગ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવતા એલ.સી.બી.ના પી.આઈ. જે.એમ. ચાવડા તેમજ સ્ટાફના માણસોને મળેલ ચોક્કસ બાતમીના આધારે ભાણવડના ત્રણ પાટીયાના શિવા ગામ વિસ્તારમાંથી પસાર થઈ રહેલી જી.જે. 3 એચ.એ. 9288 નંબરની એક વેગનઆર મોટરકારને અટકાવી એલસીબી સ્ટાફે ચેકિંગ કરતા આ મોટરકારમાં પસાર થતા ચાર શખ્સો શંકાસ્પદ હાલતમાં જણાતા તેમની અટકાયત કરી આગવી ઢબે પૂછપરછ કરી હતી.
પોલીસની પૂછપરછમાં પોપટ બનેલા આ શખ્સોએ ભાણવડમાં રોકડ રકમની ચોરી સહિતના જિલ્લામાં થયેલા ગુનાઓની કબુલાત કરી હતી. ઝડપાયેલા શખ્સો મધ્ય પ્રદેશ રાજ્યના રાજગઢ જિલ્લાના રાજગઢ જિલ્લાના પચોરે તાલુકાના રહીશ એવા સન્ની હરિપ્રસાદ જગન્નાથ સાંસી (સિસોદિયા), ઉપરાંત આ જ વિસ્તારના પરસોતમ ઉર્ફે પ્રશાંત ઉર્ફે જુહી બાલકિશન જગદીશ સાંસી (સિસોદિયા) ઉપરાંત મૂળ રાજકોટના રહીશ અને હાલ રાજગઢ જિલ્લાના પચોરે ખાતે જ રહેતા કીર્તિ હેમરાજભાઈ રાયચુરા નામના ત્રણ શખ્સો ઉપરાંત અન્ય એક કાયદાથી સંઘર્ષીત કિશોરની અટકાયત કરી હતી. ઝડપાયેલા આ શખ્સો પાસેથી પોલીસે કુલ રૂપિયા 2,09,000/- રોકડા તથા રૂ. 2,10,277/-ની કિંમતના સોના ચાંદીના જુદા જુદા પ્રકારના દાગીના, રૂપિયા 7,500 ની કિંમતના પાંચ નંગ મોબાઈલ ફોન ઉપરાંત રૂપિયા અઢી લાખની કિંમતની વેગન-આર કાર મળી, કુલ રૂપિયા 6,76,777 નો મુદ્દામાલ કબજે કર્યો છે.
ઝડપાયેલા આરોપી કીર્તિભાઈ રાયચુરા અગાઉ ખંભાળિયા લાંબો સમય રહી ચૂક્યા હોવાનું તથા પરપ્રાંતીય તસ્કર ગેંગને ગુજરાતી ભાષા તથા રોડ- રસ્તા સહિતની બાબતે માર્ગદર્શન આપવાની ભૂમિકા તેમણે ભજવી હતી.આટલું જ નહીં, આરોપી શખ્સો દ્વારા ભાણવડ ઉપરાંત રાજકોટ, રાજપીપળા, વડોદરા સહિતના ગુજરાત રાજ્યના જુદા જુદા વિસ્તારો ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ વિગેરે વિસ્તારોમાં કરેલી કુલ 28 ચોરીની કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી.આરોપી જે-તે સ્થળે જઈ, બેંક નજીકથી પસાર થતાં વ્યક્તિઓની નજર ચૂકવીને રોકડ રકમ સેરવી લેવા ઉપરાંત પર્સની ચોરી, લગ્ન પ્રસંગમાં જઇ અને હાથ ફેરો કરવા જેવા ગુનાઓ આચરવા માહિર હોવાનું ઉપરાંત ઝડપાયેલા સંઘર્ષીત કિશોર સામે પણ દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, વગેરે સ્થળોએ ગુના નોંધાયા છે.
આંતરરાજ્યની કુખ્યાત આ “સાંસી” ગેંગના સભ્યો ટીમ દ્વારા ભર બજારમાં ચોક્કસ વ્યક્તિને ટાર્ગેટ કરવા તેમજ ગુનો આચરવા બાળ આરોપી તથા સ્ત્રીઓને પણ સાથે રાખતા હોવાનું વધુમાં ખુલવા પામ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા સાથે ગુજરાત રાજ્ય ઉપરાંત આંતરરાજ્યના આશરે 28 જેટલા ગુનાઓ આચરનારી આ ગેંગને ઝડપી લેવા માટે ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડાની રાહબરી હેઠળ એલ.સી.બી.ના પી.આઇ. જે.એમ. ચાવડા, સ્થાનિક પીએસઆઇ જે.જી. સોલંકી તથા સ્ટાફના બીપીનભાઈ જોગલ, અજીતભાઈ બારોટ, સજુભા જાડેજા, મશરીભાઇ આહિર, વિપુલભાઈ ડાંગર, સહદેવસિંહ જાડેજા સહિતના સ્ટાફ દ્વારા નોંધપાત્ર કામગીરી કરવામાં આવી હતી.