અમિત શાહની તાજેતરની ગુજરાત મુલાકાત દરમિયાન....

પ્રધાનમંડળમાં ફેરફાર અને બોર્ડ તથા નિગમોમાં નિમણૂંકો નકકી- સવાલ માત્ર સમયનો......

અમિત શાહની તાજેતરની ગુજરાત મુલાકાત દરમિયાન....

Mysamachar.in:ગાંધીનગર:

કેન્દ્રીય ગૃહમંત્રી અને BJPમાં વડાપ્રધાન પછીનું બીજું સ્થાન ધરાવતાં અમિત શાહે તાજેતરમાં ગુજરાતની મુલાકાત લીધી. સરકાર તથા પક્ષ સ્તરે આ મુલાકાતને ખૂબ જ મહત્વ આપવામાં આવી રહ્યું છે, કેમ કે સૂત્રોના જણાવ્યા અનુસાર આ મુલાકાત દરમિયાન કેટલાંક નિર્ણયો થઈ ચૂકયા છે, હવે બસ તેનો અમલ જ બાકી છે. જે ગમે ત્યારે થઈ શકે છે.  

અત્રે ઉલ્લેખનિય છે કે, થોડાં સમય અગાઉ ખુદ વડાપ્રધાન ગુજરાત મુલાકાતે આવેલાં ત્યારે તેઓએ સરકાર તથા પક્ષ કક્ષાએ રાજયના મુખ્યમંત્રી તથા પ્રદેશ ભાજપા અધ્યક્ષ સહિતના નેતાઓના મનની વાતો જાણી હતી અને માર્ગદર્શન પણ આપ્યું હતું. તે સમયે કેટલીક બાબતો પડતર રહેવા પામી હતી.

આ તમામ પેન્ડિંગ મુદ્દાઓના નિકાલ માટે તાજેતરમાં અમિત શાહે CM,CR, ગુજરાત સંગઠન પર નજર રાખતાં રત્નાકર તથા મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાશનાથન સાથે દિલ્હીમાં કેટલીક ગુફતેગો કરી હતી. ત્યારબાદ તરત જ પૂર્વ નિર્ધારીત ટાઈમટેબલ મુજબ અમિત શાહ તાજેતરમાં ગુજરાત મુલાકાતે આવ્યા. 

એમ કહેવાય છે કે, અન્ય કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા પછી અમિત શાહે રવિવારે રાત્રે 12 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી ગાંધીનગર ખાતે મેરેથોન બેઠક યોજી. જેમાં તેઓએ CM, CR ઉપરાંત રાજયના વિવિધ અગ્રણીઓ સાથે તથા સંગઠનના કેટલાંક હોદ્દેદારો સાથે ચર્ચાઓ કરી.

ચર્ચાઓ દરમિયાન એવું બહાર આવ્યું છે કે, સંગઠનના કેટલાંક આગેવાનોએ રાજયના કેટલાંક મંત્રીઓ સંબંધે નકારાત્મક રજૂઆતો પણ કરી હતી. બાદમાં અમિત શાહ દ્વારા મંત્રીઓને એવો સંદેશ મોકલી આપવામાં આવ્યો છે કે, મંત્રીઓએ પોતાના પર્ફોમન્સ સુધારવા પડશે, અન્યથા કેબિનેટમાં ફેરફારો સમયે તેઓએ પડતાં મૂકવામાં આવી શકે છે. આ ઉપરાંત એમ પણ જાણવા મળે છે કે, બોર્ડ અને નિગમોમાં નિમણૂંકો માટેનો તખ્તો ગોઠવાઈ તો ગયો છે પરંતુ સંગઠનના તથા અન્ય કેટલાંક નામોમાં ફેરફાર અંગે વિચારણાઓ ચાલી રહી હોય, આ નિમણૂંકો તથા કેબિનેટમાં ફેરબદલ આગામી સમયમાં એકસાથે થઇ શકે છે. લોકસભા ચૂંટણીઓ અગાઉ રાજયમાં સરકાર તથા પક્ષ કક્ષાએ ફેરફારો આવી રહ્યા છે એમ સૌ કહે છે પરંતુ કયારે ફેરફારો થશે ? તે અંગે કોઈ સતાવાર જાહેરાત થઈ ન હોય એવું પણ બની શકે કે, ગણતરીના દિવસોમાં જ નવાજૂની થઈ શકે છે.