Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લાના ધ્રોલમાં ગતસાંજે ભારેલા અગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ એટલા માટે થયું કે ધ્રોલ પોલીસ મથકના બે પોલીસકર્મીઓ દ્વારા માસ્ક મામલે દાદાગીરી બતાવી અને એક કોમ્પ્લેક્ષના છેક બીજા માળે આવેલી દુકાનમાં બે પોલીસમેનોએ ઘૂસીને માસ્કના દંડ બાબતે આંગડિયા પેઢીમાં બેસેલ એક વ્યક્તિ સાથે માથાકૂટ કરી એક વ્યક્તિને ઢોર માર મારતા તેના ઘેરા પ્રત્યાઘાતો ધ્રોલ શહેરમાં પડ્યા છે અને વેપારીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. અને સ્થાનિક આગેવાનો પણ આ મામલે રસ દાખવતા મામલો છેક ગાંધીનગર ગૃહમંત્રી સુધી પહોચ્યો હોવાનું પણ જાણવા મળે છે, બનાવ વધુ ગંભીર બનતા અને વેપારીમાં રોષ જણાઈ આવતા ગ્રામ્ય ડીવાયએસપી કૃણાલ દેસાઈ પણ ધ્રોલ પહોંચી ગયા હતા અને વેપારીઓને આશ્વાસન આપી અને માંડ મામલો થાળે પાડ્યો હતો,
વાત કઈક એવી હતી કે ધ્રોલના ગાંધી ચોકમાં આંગડિયાની પેઢી ધરાવતા દિગ્વિજયસિંહ દિલાવરસિંહ ઝાલા નામના વ્યક્તિ બીજા માળે ઓફિસે બેઠા હતા, ધ્રોલ પોલીસ મથકના બે કર્મચારીઓ મહિપત સોલંકી અને નિલેશ ભીમાણી આ ઓફિસમાં ઘુસી આવ્યા અને માસ્ક બાબતે માથાકૂટ કરતા વેપારીએ દંડ ભરવાનું કહેવા છતાં તેને જીપમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ જઈ ઢોર માર માર્યો હતો, જેનાથી વેપારીની આંખ માંડ બચી હતી અને હાલ તેની રાજકોટ ખાતે સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળે છે,
અંતે આ મામલો થાળે પાડવા અને વેપારીઓનો રોષ વધુ ઉગ્ર ના બને તે માટે મોડી રાત્રે ધ્રોલ પોલીસ મથકના એ બે પોલીસકર્મીઓ જેની વારંવારની વેપારીઓમાં ફરિયાદ ઉઠી હતી તે મહિપતસિંહ અને નીલેશ ભીમાણી વિરુદ્ધ વેપારી દિગ્વિજયસિંહ ઝાલાની ફરિયાદ લેવામાં આવી છે તેમાં જણાવવામાં આવ્યું છે કે તે ઓફિસમાં બેસેલા હતા ત્યારે મહિપતસિંહ નામના પોલીસકર્મીએ આવી માસ્ક કેમ પહેરેલ નથી તેમ કહી ગેરવર્તન કરી ગાળો બોલી અને બીજા પોલીસકર્મી નીલેશ ભીમાણીએ પણ માર મારી પોલીસ સ્ટેશન લઇ જઈ ત્યાં પણ મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે,
તો સામાપક્ષે પોલીસે પણ દિગ્વિજયસિંહ ઝાલા અને એક અજાણ્યા વ્યકિત વિરુદ્ધ પોલીસની ફરજમાં રુકાવટ,ગાળો ભાંડી અને જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબની સામી ફરિયાદ પણ નોંધાઈ છે, જો કે પોલીસની ધ્રોલમાં વેપારીઓને કનડગતનો મામલો હવે વેપારીઓમાં રોષનું વાતાવરણ ઉભું કરી રહ્યું છે.મહત્વનું છે કે ધ્રોલ પોલીસની તાજેતરમાં જ નિષ્ક્રિયતા છતી થઇ હતી અને લૈયારા ગામેથી જામનગર એલસીબીએ લાખોનો શરાબ અને બીયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો.અને ધ્રોલ પોલીસ ઊંઘતી ઝડપાઈ ગઈ હતી.