દેવભૂમિ દ્વારકા:જીલ્લામાં લમ્પીથી અસંખ્ય પશુઓના મોત, ટોલ ફ્રી નંબરનો ફોન જ નો-રીપ્લાય:વિક્રમ માડમ 

લમ્પી વાયરસે 11 જિલ્લાઓમાં મચાવ્યો છે હાહાકાર ત્યારે...

દેવભૂમિ દ્વારકા:જીલ્લામાં લમ્પીથી અસંખ્ય પશુઓના મોત, ટોલ ફ્રી નંબરનો ફોન જ નો-રીપ્લાય:વિક્રમ માડમ 
file image

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

છેલ્લા કેટલાય મહિનાઓથી પશુઓમાં અને તેમાં પણ ખાસ કરીને ગાયમાં લમ્પી વાયરસનો ભારે કહેર જોવા મળી રહ્યો છે, અને આ વાયરસને કારણે પશુઓના ટપોટપ મોત થઇ રહ્યા છે, ત્યારે દેવભૂમિ દ્વારકામાં પણ આ વાયરસ નો કહેર હોવાનું અને રાજ્યના પશુપાલન વિભાગે જાહેર કરેલો  ટોલ ફ્રી નંબરનો ફોન જ નો-રીપ્લાય થતો હોવા સાથે તાકીદે પગલા ભરી અને પશુધન બચાવવા ખંભાલીયા ધારાસભ્ય વિક્રમ માડમે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે,

વિક્રમ માડમે કરેલ રજુઆતમાં લખ્યું છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા એકાદ મહિના દરમ્યાન અસંખ્ય પશુધન મૃત્યુ થયેલ છે. આ બાબત ખુબ જ સંવેદનશીલ છે. આપણો ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે. અને આપણી ખેતી પશુધન સાથે જોડાયેલ છે. લોકો તરફથી રૂબરૂ, ટેલીફોનીક તથા વારંવાર મારા પ્રવાસ દરમ્યાન ફરિયાદો મળેલ છે. ગાય તથા બળદના મૃત્યુનું મુખ્ય કારણ હાલમાં પશુધનમાં ફેલાયેલો ''લમ્પી' વાયરસ છે.

સરકાર દ્વારા આ વાયરસને કંટ્રોલમાં લેવા તથા પશુધનને કોઈ પણ બિમારી હોય તો તેના માટે 1962 ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવેલ છે. પરંતુ ખુબ જ દુઃખની બાબત છે કે જયારે કોઈ માલધારીનું પશું બિમારી થી તરફળીયા મારતું હોય અને 1962  નંબર પર ફોન કરવામાં આવે છે તો આ ફોન ઉપડતો જ નથી. આ ખૂબ જ ગંભીર બાબત છે. સરકાર દ્વારા આના માટે જવાબદાર પર કડક પગલાં લેવાવા જોઈએ.

પશુધનમાં "લમ્પી' વાયરસ જીવલેણ છે તો આ વાયરસને કાબૂમાં લેવા માટે દેવભુમિ દ્વારકા જીલ્લામાં પુરતો પશુ વ્યવસ્થા ડોકટરનો સ્ટાફ મુકવા તથા જે ગાય-બળદમાં આ વાયરસ ફેલાયેલો છે તેમને અલગ થી રાખવા માટેની ઉભી કરવી એ પણ રાજય સરકારની જવાબદારી છે. જેથી કરીને અન્ય પશુઓમાં આ રોગનો ફેલાવો થતો અટકી જાય. તો અન્ય જગ્યાએ જયા "લમ્પી” વાયરસ રોગ કન્ટ્રોલમાં હોય એવી જગ્યાએ થી જરૂરી ડોકટર તથા સ્ટાફને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુકવા સાથે જ આ વાયરસને તાત્કાલીક કાબુમાં લેવો ખુબ જ જરૂરી છે નહિંતર માલધારી વર્ગ, ખેડૂત વર્ગ તમામને ખેતીમાં તથા આર્થિક દુષ્ટીએ અને પર્યાવરણની દૃષ્ટીએ ખુબ મોટુ નુકશાન થશે અને આ તમામ માટે રાજય સરકાર જવાબદાર રહેશે.