Mysamachar.in:જામનગર
ઉદ્યોગોના વધતા જતા વ્યાપના કારણે સમગ્ર હાલારના દરેક હાઇવે ઉપર કેમીકલ, ગેસ, જુદા જુદા ઇંધણ ભરેલા હેવી ટેન્કર ના પરિવહન વધતા જાય છે, ત્યારે હેઝાર્ડસ કેમીકલ ટ્રાન્સપોર્ટેશન અંગેના તમામ નિયમોના ચુસ્ત પાલન કરાવવા કે જેથી દુર્ધટનાઓ ન સર્જાય અને માર્ગ સલામતિ જળવાય રહે તે માટે લગત તંત્રોની જવાબદારીઓ ફીક્સ છે પરંતુ તેના પાલન દરેક વખતે થતા નથી કે કરાવાતા નથી.
જેના કારણે દર પંદર કે વીસ દિવસે કોઇને કોઇ રોડ ઉપર આવા ટેન્કર કાંતો અથડાય છે, કાંતો પલટી ખાય છે અને હાઇવે ઉપર અન્ય વાહન ચાલકો, આજુબાજુના ધંધાદારીઓ, રાહદારીઓ, રહેવાસીઓ અને તંત્રના જીવ પડીકે બંધાય છે.
-આર.ટી.ઓ.એ શું જોવાનુ છે
જિલ્લા વહીવટી તંત્રના જુદા જુદા વિભાગો પાસેથી આ અંગે માહિતી એકત્ર કરતા જાણવા મળ્યુ છે કે રસાયણ, ગેસ, ઇંધણ પરિવહન અંગેના કડક નિયમો અમલમાં છે, જેમા આવા ટેન્કર ચાલકએ ખાસ ટ્રેનીંગ લીધેલી હોવી જોઇએ તે પ્રમાણપત્ર સાથે હોવુ જોઇએ, ચોક્કસ સ્પીડ મર્યાદામાં જ ટેન્કર ચલાવવુ સાથે ચેતવણી સાઇન રાખવી, જે રસાયણનુ પરિવહન થઇ રહ્યુ હોય તેનુ સંપુર્ણ વર્ણન કરતા સુવાચ્ય બોર્ડ સ્પષ્ટ વંચાય તેમ રાખવા, ટેન્કરમા તાપમાન જળવાય, ટર્ન લેતી વખતે અંદર વધુ હલચલ ન થાય, તમામ બાબતો આર.ટી.ઓ.માન્ય હોય વગેરે અનેક બાબતોના પાલન ફરજીયાત છે. જેનુ ચેકીંગ ચેક લીસ્ટ મુજબ આર.ટી.ઓ.એ નિયમિત કરવાનુ હોય છે.
-બે વિભાગને તપાસના આદેશ
આ અંગે ઉચ્ચકક્ષાએથી અમુક અનિયમિતતા સામે આવતા આર.ટી.ઓ. અને ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ એમ બે વિભાગોને આવા જોખમી ગેસ, રસાયણ, ઇંધણના પરિવહન માટે ટેન્કરમા ફીલીંગ થાય ત્યારથી માંડી ડેસ્ટીનેશન સુધી પહોંચતા સુધી શુ તકેદારીઓ કાયદા મુજબ રાખવાની છે તે ચેક કરવા અને તેનો ઠોસ અમલ કરાવવા આદેશ કર્યા છે. કેમકે ફીલીંગથી માંડી ટ્રાન્સપોર્ટેશન ક્વોલિફાઇડ લોકો દ્વારા અને ચોક્કસ સુપરવિઝન હેઠળ જ થવુ જુદા-જુદા કાયદાઓ અને જોગવાઇઓ હેઠળ સેફટી પોઇન્ટ ઓફ વ્યુ થી ફરજીયાત છે.