શકમંદ આરોપી તરીકે નામ નહી ખોલવા અને ધરપકડ નહી કરવા કોન્સ્ટેબલે સાડા ત્રણ લાખ માગ્યા 

જો કે ફરિયાદીએ સમયસર એસીબીને જાણ કરી દીધી અને...

શકમંદ આરોપી તરીકે નામ નહી ખોલવા અને ધરપકડ નહી કરવા કોન્સ્ટેબલે સાડા ત્રણ લાખ માગ્યા 
symbolice image

Mysamachar.in-પાટણ:

રાજ્યમાં લગભગ એક સપ્તાહ પણ એવું નથી જતું જેમાં કોઈ ને કોઈ વિભાગમાંથી લાંચ લેતા લાંચિયા બાબુઓ ઝડપાયા ના હોય, કોઈને કોઈ કારણોસર લાંચીયાઓ લાંચ લેવાના હથકંડાઓ અપનાવી જ લે છે, એવામાં રાજ્યમાં વધુ એક સફળ ટ્રેપ ગતસાંજે એસીબી દ્વારા પાટણમાં કરવામાં આવી છે,

પાટણ જિલ્લાના સાંતલપુરના વારાહી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા સીઆરપીસી 41-1(D)માં ફરિયાદીના ભત્રીજાનું નામ શકમંદ આરોપી તરીકે નહી ખોલવા અને તેઓની ધરપકડ નહી કરવા બદલ 3.50 લાખની લાંચની માગણી કરવામાં આવી હતી. વારાહી પોલીસ સ્ટેશનનના પોલીસ કોન્સ્ટેબલ હરીસિંહ સરદારસિંહ વાઘેલા વતી ઈકબાલખાન કરીમખાન મલેક નામના વચેટિયાએ લાંચની માગણી કરી હતી. પરંતુ, ફરિયાદી લાંચ આપવા માગતા ન હોય એસીબીમાં ફરિયાદ કરી હતી.

એસીબીએ વારાહીમાં છટકું ગોઠવ્યું હતું. જેમાં પોલીસ કોન્સ્ટેબલે સાડા ત્રણ લાખની લાંચની માગણી કરી હતી અને વચેટિયાને રકમ આપવા જણાવ્યું હતું. પોલીસ કોન્સ્ટેબલના કહેવાથી વચેટિયાએ નાણા સ્વીકારતા એસીબીએ બંનેને ઝડપી પાડ્યા હતા. એસીબીએ બંને આરોપીઓને ડીટેઈને કરી વધુ તપાસ હાથ ધરી છે.