જોડીયાના બેરાજા ગામે કુવામાં માતા પુત્રીના ડૂબી જવાથી મોતને મામલે હવે પતિ સામે નોંધાઈ ફરિયાદ
જયારે મરણ જનાર ગર્ભવતી હતી ત્યારે પણ...

Mysamachar.in-જામનગર
જામનગર જીલ્લાના જોડિયા તાલુકાના બેરાજા ગામે ગત 27 ડીસેમ્બરના રોજ સીમવિસ્તારમાં છગનભાઈ ચીકાણીની વાડીમાં ખેતમજુર તરીકે કામ કરતા આદિવાસી પરિવારના જમનાબેન નાનકાભાઈ ભુરીયા અને તેની સાત માસની પુત્રી લક્ષ્મી ભુરીયા વાડીમાં કપાસ વીણવા નીકળ્યા બાદ સવારના સાડા છ વાગ્યા આસપાસ અંધારાને લઈને અકસ્માતે કુવામાં ડૂબી જતા માતા અને સાતમાસની પુત્રીના મોત થયાનું જોડિયા પોલીસ દફતરે જાહેર થયું છે, જો કે ખરેખર અકસ્માતે જ બન્ને ડૂબી ગયા છે કે કેમ તે અંગે પોલીસ વિશેષ તપાસ કરી રહી હતી દરમિયાન મૃતક મહિલાના પિતા દ્વારા તેણીના પતિ સામે કલમ 306 એટલે કે આપઘાતની દુષ્પ્રેરણા આપવા અંગેનો ગુન્હો જોડિયા પોલીસ મથકમાં નોંધાવ્યો છે.
મૃતકના પિતા ધુંધરાભાઈ જનિયાભાઈ ભુંડેવળીયા જે પણ ખેતમજુરી ધ્રોલ ખાતે કરી રહ્યા હોય તેને પોતાના જમાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે તેમાં દીકરી જમનાબેન ગર્ભવતી હતી ત્યારે તેમના પતી(આરોપી) નાનકાભાઇ જમના ઉપર શંકા કરી મારકૂટ કરી તારા પેટમા મારૂ છોકરું નથી કોઈક બીજાનુ છે તેમ કહી જમનાને અવાર નવાર મારકુટ કરી માનસીક શારિરીક દૂઃખત્રાસ આપી મરણજનાર જમનાબેનને મરવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાતા પી.એસ.આઈ એમ.આર.વાળા વધુ તપાસ ચલાવી રહ્યા છે.