લોકો તરફથી મળેલ અરજીઓ, પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ ન આવે ત્યાં સુધી તેનું સતત નિરીક્ષણ કરવાની કલેકટર ડો.સૌરભ પારધીની સુચના

કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક મળી

લોકો તરફથી મળેલ અરજીઓ, પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ ન આવે ત્યાં સુધી તેનું સતત નિરીક્ષણ કરવાની કલેકટર ડો.સૌરભ પારધીની સુચના

Mysamachar.in-જામનગર:

કોરોના મહામારીના કારણે આજે આશરે દોઢ વર્ષ બાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને મળી હતી. બેઠકમાં જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલ તેમજ જામજોધપુરના ધારાસભ્ય ચિરાગ કાલરીયા દ્વારા રજુ કરાયેલ પ્રશ્નો અંગે જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીએ સંબંધિત અધિકારીઓને જરૂરી તપાસ કરી સત્વરે વિગતવાર અહેવાલ રજુ કરવા સૂચના આપી હતી.

જામનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠકમાં પદાધિકારીઓ તરફથી રજુ થયેલા પ્રશ્નોની જિલ્લા કલેક્ટરએ સમીક્ષા કરી હતી અને જનપ્રતિનિધિઓ તેમજ લોકોના પ્રશ્નો પરત્વે વિશેષ લક્ષ્ય કેન્દ્રિત કરી સમય મર્યાદામાં તે પ્રશ્નોનો નિકાલ લાવવા ઉપસ્થિત અધિકારીઓને તાકીદ કરી હતી.આ બેઠકમાં કલેકટરએ તમામ કચેરીઓના વડાઓને દર માસે પડતર પ્રશ્નોના નિકાલ અંગે કરેલ કામગીરીનો અહેવાલ રજૂ કરવાની પણ સૂચના આપી હતી તેમજ લોકો તરફથી મળેલ અરજીઓ તેમજ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ ન આવે ત્યાં સુધી તેનું સતત નિરીક્ષણ કરવા સૂચન કર્યું હતું.

જ્યારે જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ દ્વારા ડિજિટલ સેવા સેતુ હેઠળ લોકોને ઘરે બેઠાં જ ઉપલબ્ધ થતી 56 જેટલી ઓનલાઈન સરકારી સેવાઓ પર યોગ્ય કાર્યવાહી હાથ ધરી લોકોને સ્થાનિકકક્ષાએ જ આ લાભો સરળતાથી મળી રહે તે દિશામાં કાર્યવાહી હાથ ધરવા તેમજ તેનું સતત મોનીટરીંગ કરવા ઉપસ્થિત અધિકારીઓને સૂચન કરાયું હતું.બેઠકમાં જિલ્લાની વિવિધ કચેરીઓના વડાઓ દ્વારા રજૂ કરાયેલ રજૂઆતો તેમજ પ્રશ્નો જિલ્લા કલેક્ટરએ સાંભળ્યા હતાં અને તે પરત્વે યોગ્ય સૂચન કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.