Mysamachar.in-અમદાવાદ:
હવામાન વિભાગ દ્વારા આજથી 4 દિવસ માટે કોલ્ડ વેવની આગાહી કરી છે. છેલ્લા થોડા દિવસોથી ઠંડીમાં ઘટાડો થઈ રહ્યો હતો ત્યારે ગઈકાલે એક સાથે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો આવતા જિલ્લામાં અચાનક ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. તાપમાનમાં એક દિવસમાં 5 થી 12 ડીગ્રીનો ઘટાડો એ સીવિયર કોલ્ડ વેવના લક્ષણ દર્શાવે છે જ્યારે કે વિભાગ દ્વારા આજથી ત્રણ દિવસ કોલ્ડ વેવની આગાહી બાદ તાપમાનમાં પણ ઘટાડો થયો હતો..
હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં સોમવારથી બુધવાર સુધી શીત લહેર એટલે કે કોલ્ડ વેવ પ્રસરે તેવી આગાહી કરી હતી. કચ્છ, ભાવનગર, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અમદાવાદ જીલ્લામાં 24 થી 26 જાન્યુઆરી સુધી કોલ્ડ વેવ ની અસર દેખાશે તેવી માહિતી આપી હતી. તે ઉપરાંત આગામી 4 દિવસ શીતલહેરને લઈ તકેદારી રાખવા માટે પણ હવામાન વિભાગે સલાહ આપી હતી.
ઉત્તર પશ્ચિમના ઠંડા પવન સીધા આવતા રાજ્યભરમાં કોલ્ડવેવનો નવો રાઉન્ડ શરુ થઈ ગયો છે. આની અસર તળે આગામી ચાર દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં કાતિલ ઠંડી પડશે. રવિવારે વિવિધ શહેરોનું લઘુતમ તાપમાન 7થી 12 ડિગ્રી ઘટી ગયું હતું. હવામાન વિભાગે તો ચેતવણી આપી છે કે, આ કોલ્ડવેવ દરમિયાન નલિયામાં 4 ડિગ્રી અને અમદાવાદમાં 7 ડિગ્રીની નીચે તાપમાનનો પારો જઈ શકે છે. જ્યારે ઠંડા પવનની સૌથી વધુ અસર ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, કચ્છ ઉપરાંત આખા સૌરાષ્ટ્રમાં રહેશે.