મુખ્યમંત્રીએ રાજ્યની 8 મનપાના કમિશનરો, અને પદાધિકારીઓ સાથે વાતચીત કરી કહ્યું કે...

રાજ્યની 8 મહાનગરપાલિકાઓમાં 60 ટકાથી વધુ કોરોનાના કેસ

મુખ્યમંત્રીએ રાજ્યની 8 મનપાના કમિશનરો, અને પદાધિકારીઓ સાથે વાતચીત કરી કહ્યું કે...

Mysamachar.in-ગાંધીનગર

મુખ્યમંત્રીએ વિજય રૂપાણીએ આજે રાજ્યની આઠ મહાનગરપાલિકાઓમાં કોરોનાની કામગીરીની સમીક્ષા માટે પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ મારફતે ખાસ વાતચીત કરી કેટલાક સૂચનો પણ આપ્યા હતા, રાજ્યની આઠ મહાનગરપાલિકાઓમાં 60 ટકાથી વધુ કોરોનાના કેસ છે. કોર્પોરેશનના પદાધિકારીઓ કોરોના નિયંત્રણમાં મહત્વની ભૂમિકા ભજવશે તો ગુજરાતમાં કોરોના નિયંત્રણમાં આવશે. ગુજરાતમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર સતત પ્રજાના હિતમાં અનેકવિધ પગલાં-નિર્ણય કરી રહી છે. કોરોનાની પહેલી લહેરમાં લોકડાઉન દરમિયાન હોસ્પિટલો, સારવારની વ્યવસ્થા, દવાઓ, ડૉકટર અને મેડિકલ સ્ટાફ તેમજ શ્રમિકોના અનેક પ્રશ્નો આપણી સામે હતા જયારે અત્યારે કોરોનાની બીજી લહેરમાં લોકડાઉન નથી પરંતુ કેસોની સંખ્યા વધી રહી છે..

ત્યારે તેના પર નિયંત્રણ લાવવા માટે મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રકચર, ટેસ્ટિંગ અને ટ્રેસિંગમાં વધારો, હોસ્પિટલોમાં નવા બેડ, ઓક્સિજન અને વેન્ટિલેટરની વ્યવસ્થા, રેમડેસિવિર ઈન્જેક્શન સહિતની તમામ વ્યવસ્થા ઉપલબ્ધ છે ત્યારે અનેક પડકારો ઝીલીને આપણે સાથે મળીને સંક્રમણ આગળ વધતું અટકાવવું પડશે. કોરોના સામે જંગ લડવા સખત પરિશ્રમ કરીને વિવિધ સંસ્થાઓ, સમાજ, સંતો અને સેવાભાવી લોકોને જોડવા પડશે. ગુજરાતમાં મર્યાદિત કંપનીઓ રેમડેસિવિર ઈન્જેક્શન બનાવે છે તેમ છતાં પણ આપણે અન્ય રાજ્યો એટલે આસામ અને મુંબઈ જેવાં શહેરોમાંથી દૈનિક 20,000 ઈન્જેક્શન ઉપલબ્ધ કરાવીએ છીએ. આપણે અત્યારે રેમડેસિવિર ઈન્જેક્શન માટે સરકારી હોસ્પિટલોમાં પ્રથમ અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલોની પ્રાયોરિટી નક્કી કરવી પડશે.

ત્યારે કોરોનાની ટેસ્ટિંગથી ટ્રીટમેન્ટ સુધીની વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવા આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કોર્પોરેશનના ચૂંટાયેલા પદાધિકારીઓ-અધિકારીઓને મુખ્યમંત્રીએ ગાંધીનગરથી અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીએ કહ્યું હતુ કે, નવા ચૂંટાયેલા પદાધિકારીઓ-પ્રતિનિધિઓ માટે કોરોના કાળમાં સેવા કરવાની ઉત્તમ તક છે તે જવાબદારી આપણે નિભાવવાની છે. છેલ્લાં 15 દિવસમાં ગુજરાતમાં સરકારે દિવસ-રાત એક કરીને કોરોનાન નિયંત્રણ અને કોઈ સંક્રમિત સારવાર વિનાનો ન રહે તે માટે 18,000 નવા કોરોના બેડ ઉભા કર્યાં છે.

ગુજરાત સરકારે કોરોનાની સારવાર માટે વિવિધ હોસ્પિટલોને મંજૂરી, રેમડેસિવિર ઈન્જેક્શન, વેક્સિનેશન તેમજ મેડિકલ સ્ટાફ સહિતની તમામ જરૂરી વ્યવસ્થાઓ પૂરતા પ્રમાણમાં કરી છે. આ બેઠકમાં ગાંધીનગરથી મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ કે દાસ, હાઉસિંગ વિભાગના સચિવ તેમજ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ગાંધીનગર, ભાવનગર, જામનગર અને જૂનાગઢના મેયર, પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનરો, અધિકારીઓએ જોડાઇને કોરોનાની કામગીરી અને નિયંત્રણ અંગે ચર્ચા વિચારણા કરી હતી.