કંટ્રોલરૂમમાં ફોન કરી કહ્યું DYSP રાઠોડ બોલું છું, નકલી DYSPને અસલી પોલીસે પાઠ ભણાવ્યો

જૂની અદાવતનો ખાર કાઢવા આવું કર્યું..

કંટ્રોલરૂમમાં ફોન કરી કહ્યું DYSP રાઠોડ બોલું છું, નકલી DYSPને અસલી પોલીસે પાઠ ભણાવ્યો

Mysamachar.in-આણંદ

જૂની અદાવતનો બદલો લેવા એક શખ્સે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી DYSPની ઓળખ આપી અને ચરસ અંગેની માહિતી આપવાનો ખેલ તેના પર જ ઉંધો પડ્યો અને અસલી પોલીસે તેને બરોબરનો પાઠ શીખવ્યો છે, આણંદના વિદ્યાનગરના હરિઓમનગર ખાતે રહેતા શખસના ઘરે ત્રણ કિલો ચરસ હોવાથી તેના ઘરે દરોડો પાડવા અમદાવાદના રિક્ષાવાળાએ ડીવાયએસપી રાઠોડ બની દમ ઝીંકી પોલીસને દોડતી કરી હતી. આ શખસને પાંચ વર્ષ પહેલા થયેલા ઝઘડાની રીસ રાખી આ ખોટો દરોડો પડાવ્યો હોવાનું ખુલ્યુ છે.જોકે પોલીસે આ બનાવટી ડીવાયએસપીને દબોચી લઇ જરૂરી કાર્યવાહી કરી છે,

આણંદ જિલ્લા પોલીસના કંટ્રોલ રૂમ પર ડીવાયએસપી રાઠોડના નામે અજાણ્યા શખસે ફોન કર્યો હતો. અને વિદ્યાનગરના હરિઓમનગર જલારામ કોમ્પ્લેક્સની સામે રહેતા નટુભાઈ ભજીયાવાળાના ઘરે ત્રણ કિલો ચરસ હોવાથી તાત્કાલીક પોલીસ માણસો મોકલી દરોડો કરી ઓપરેશન પુરુ પાડવા સુચના આપી હતી.આ બાબતની ગંભીર નોંધ લઇ તાત્કાલિક વિદ્યાનગર પોલીસને જાણ કરતાં પોલીસ ઇન્સ્પેક્ટર એચ. બી. ચૌહાણ સહિતની ટીમે નટુભાઈ ભીમાભાઈ વસાવાને ત્યાં તપાસ કરી હતી. વિસ્તારમાં પોલીસ કાફલો ઉતરી પડતા ઉત્તેજના વ્યાપી હતી. પરિવારજનો પણ ગભરાઈ ગયા હતા. જોકે, આ.માહિતી બનાવટી હોઈ પોલીસને દરોડામાં ચરસ કે અન્ય કોઇ ગુનાહીત ચીજવસ્તુ મળી આવી નહોતી. જેથી આવેલા મોબાઇલ નંબર પર તપાસ કરતાં ફોન ધારકે પોતે ડીવાયએસપી રાઠોડ અને પછી પોલીસ ઇન્સ્પેક્ટર નકુમ હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત તેણે પોલીસ સાથે અભદ્ર વર્તન પણ કર્યું હતું.

આમ આરોપીએ પોલીસની ખોટી ઓળખ આપી, ખોટું નામ ધારણ કરી નટુભાઈ ભીમાભાઈ વસાવાના ઘરે હાની તથા ત્રાસ થાય તેવું કૃત્ય કર્યું હતું. પોલીસે નંબર આધારે તપાસ કરતાં આ શખસ અશ્વિન લક્ષ્મણભાઈ વણકર (રહે. હરિઓમનગર વિદ્યાનગર, હાલ વાસણા ઝુપડપટ્ટી, અમદાવાદ) અને વ્યવસાયે રિક્ષાચાલક હોવાનું પણ ખુલ્યું હતું. પોલીસે તેની અટક કરી પૂછપરછ હાથ ધરતાં તેને નટુભાઈ સાથે પાંચ વર્ષ થયેલા ઝઘડાનો બદલો લેવા આ કૃત્ય કર્યુ હોવાનું જણાવ્યું હતું. આ અંગે પોલીસે અશ્વિન સામે રાજ્ય સેવક તરીકેનો ખોટો હોદ્દો તથા નામ ધારણ કરી ખોટી માહિતી આપવા અંગે તેની વિરુદ્ધ ગુન્હો નોંધ્યો છે.