Mysamachar.in-જામનગર:
જામનગર સહીત સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી જામનગરમાં લીલા તોરણે પાછી ફરેલ જાનનો કિસ્સો ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, લગ્ન પ્રસંગોમાં ના થવા જોઈતા અમુક વ્યવહાર અને અમુક રીતરસમોની સ્પષ્ટતા વગર જ થાય ત્યારે કેટલાય કિસ્સાઓમાં બબાલ સર્જાતી હોવાના દ્રશ્યો સામે આવતા હોય છે, જામનગરના આ કિસ્સાની જે રીતે વિગતો સામે આવી રહી છે, તે પ્રમાણે શહેરના લીમડાલેન વિસ્તારમાં રહેતા અને અમેરિકામાં સ્થાયી થયેલા એક યુવાનને જામનગરની એક યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો,અને બન્ને એ લગ્ન કરવાનું નકકી કરતાં આખરે બન્નેના પરિવારજનોએ સંમતિ આપતા તા. 20ના લગ્ન યોજાયા હતા. જેઓનો લગ્ન સમારંભ જામનગરની એક હોટલમાં યોજાયો હતો. જે લગ્ન પ્રસંગ દરમિયાન કન્યા પક્ષ દ્વારા સામાન્ય રીવાજ મુજબ જેમ દરેક લગ્નપ્રસંગોમાં જોવા મળે છે તેમ વરરાજાનું નાક પકડવા માટેની વર્ષોથી ચાલી આવતી પરંપરા નિભાવવાની વિધિ શરૂ કરાઇ હતી.
જેમાં સૌપ્રથમ વરરાજાના પરિવારે નાક પકડવાનો ઇન્કાર કર્યો હતો. પરંતુ પ્રેમિકાની માતાએ માત્ર નાકને સ્પર્શ કરવાનું જણાવી અને તેમણે માત્ર વરરાજાના નાકને સ્પર્શ કર્યો હતો. નાક ના મામલે વરરાજાના કાકા સહિતના પરિવારજનોએ ભાવિ સાસુમાં નો ઉધડો લઇ નાખ્યો હતો. અને બોલાચાલી થઇ જવા પામી હતી દરમિયાન કન્યા પણ મેદાને આવી ગઈ હતી અને પોતાની માં સહિતના સબંધીઓનું અપમાન સહન ના થતા તેણીએ લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો.કન્યાએ હિમ્મતભેર લગ્નનો પ્રસ્તાવ ઠૂકરાવી દીધો હતો અને જાન લીલાં તોરણે પાછી વળી જવા કહ્યું હતું જેથી જાન લીલા તોરણે પાછી ફરી હતી ત્યારબાદ વડીલો વચ્ચે વાતચીત થઇ હતી પરંતુ આ વાતચીત અધૂરા સંબંધને જોડી શકી ન હતી અને જાન લીલા તોરણે પરત ફરી હતી.બાદમાં કન્યા પક્ષ દ્વારા પોતાને મળેલી ગિફટ પણ પરત મોકલાવી દીધી હતી. આમ નાકના પ્રશ્ને લગ્ન ફોક થયાનો આ કિસ્સો ભારે ચર્ચાનું કેન્દ્ર બની જવા પામ્યો છે.