ટીપી ડીપી અને લાઇટ શાખાની ઝાટકણી કાઢતુ ઓડીટ

શિથીલતાથી જામ્યુકોને સડો

ટીપી ડીપી અને લાઇટ શાખાની ઝાટકણી કાઢતુ ઓડીટ

Mysamachar.in-જામનગર:

જામ્યુકોના નાના મોટા (પેટા સહિતના) 23 વિભાગોની શિથીલતાના કારણે એકંદર સડો વકરી જ રહ્યો છે. દરેક વિભાગ ઉપર ઓડીટનું અંકુશ છે,પરંતુ તે જાણે સતાવગરનું તંત્ર હોય તેવી પરિસ્થિતિ ઉપસે છે,ઓડીટ પેરા ગંભીરતાથી લેવાનું દરેક ઓડીટ રિપોર્ટમાં ખુદ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન નોંધે છે,તેમ છતાં આ બેદરકારીનો કોઇ ઇલાજ જ નથી,ત્યારે જુદા-જુદા અનેક વિભાગોની જેમ જ ડીપી ડીપી અને લાઇટ શાખાની પણ ઓડીટે ઝાટકણી કાઢી છે.

એક તરફ ઇ-સ્માર્ટ અને એલઇડી પ્રોજેકટમાં તો જામ્યુકો સદંતર નિષ્ફળ ગયુ, મુળ એજન્સીના અનેક વાંધા નીકળ્યા ત્યારે પેટામાં કામ કરતી એજન્સીઓની અનેક અનિયમીતતાઓ શહેરભરમાં ઠેર-ઠેર નરી આંખે જોવા મળતી હોવા છતાં આ માટે કોઇ જવાબદાર ઉપલા તંત્રએ પણ પગલા લીધા નથી.

આ ગંભીર બાબતો વચ્ચે ઓડીટ વિભાગ દ્વારા પુર્તતા મંગાઇ છે કે 30 હજારથી વધુ સ્ટ્રીટ લાઇટો છે અને હજુ વધતી પણ જાય છે,ત્યારે કુલ ખરેખર ઇલેકટ્રીક વપરાશ કેટલો છે? આ વપરાશ નિયંત્રીત થઇ શકે તેમ છે કેમ? વીજ વિભાગને દર મહિને કેટલી રકમ ચૂકવવામાં આવે છે? કેટલી રકમ ચડત એટલે કે બાકી છે? બાકી રકમ અંગે પેનલ્ટી કેટલી છે? જે વીજ વપરાશ થાય છે તે યોગ્ય છે કે કેમ? સ્ટ્રીટ લાઇટનું ઓટો માઇઝેશન કેટલુ સફળ છે? કેટલી ફરિયાદો મળે છે,કેટલી નીકાલ થાય છે (કેમ કે શહેરના સંખ્યાબંધ પોશ વિસ્તાર-સોસાયટી વિસ્તાર અને મોટા રોડ ઉપર અવાર નવાર સ્ટ્રીટ લાઇટો બંધ હોય છે તે રાહદારીઓ, પ્રજા પ્રતિનિધિઓ અને અધીકારીઓ સૌ જુએ છે, જાણે જ છે) કે કેમ? 

સ્ટ્રીટ લાઇટોની ચોરી થાય કે તેમાંથી વીજચોરી થાય છે કે કેમ? આ તમામ ઓડીટ સવાલોના જવાબ વિભાગ પાસે સ્પષ્ટ રીતે નથી,તેવું જ ટીપી ડીપી વિભાગને પુછાયુ છે કે કેટલા સમયથી વળતર બાકી છે,કેટલા વળતર ચુકવાયા છે? ટીપી સ્કીમની જાળવણી કેવી રીતે થાય છે? ટીપી સ્કીમના પ્લોટ અને તેના વેલ્યુએશન વખતોવખત અપડેટ થાય છે કે કેમ? આવી અનેક કવેરીઓ નીકળી છે જેની પુર્તતા ન થયાનું રિપોર્ટમાં નોંધાયુ છે.

-મુળ વળતર કરતા કાં તો વ્યાજ વધુ કાં તો કાનુની પ્રક્રિયા ખર્ચ વધુ
ડીપી કપાતના વળતર બાકી હોય અને લાંબો સમય થાય તો આસામી કાનુની પ્રક્રિયાનો સહારો પણ લે છે,અમુક કિસ્સામાં વ્યાજ ચુકવવાના હુકમ થયા છે,ત્યારે અનેક કેસ એવા થઇ ગયા છે જેમાં મુળ વળતર કરતા વ્યાજ વધી જવા પામ્યુ હોય અમુક કિસ્સામાં જામ્યુકો તરફથી કાનુની પ્રક્રિયાઓનો ખર્ચ જંગી થતાં લાખના બાર હાજર થયો છે.