ફોરેસ્ટ ગાર્ડ પર હુમલો કરનારને SOG એ ત્રણ હથિયારો સાથે ઝડપી પાડ્યો 

પી.આઈ.એ.બી.જાડેજા સહિતની ટીમની સફળ કામગીરી 

ફોરેસ્ટ ગાર્ડ પર હુમલો કરનારને SOG એ ત્રણ હથિયારો સાથે ઝડપી પાડ્યો 

Mysamachar.in-ગીર સોમનાથ:

ગીર સોમનાથ જીલ્લામાં  થોડા દિવસો પૂર્વે કોડીનાર પંથકમાં ફોરેસ્ટ ગાર્ડ ઉપર બે શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. દરમિયાન ગઈકાલે બાતમીના આધારે હુમલો કરનાર એક આરોપીને ત્રણ જામગરી બંદુક સાથે એસ.ઓ.જી.ની ટીમે જંગલ વિસ્તારમાંથી ઝડપી લીધો હતો. જ્યારે હુમલામાં સામેલ વધુ એક શખ્સ હોવાનું સામે આવતા તેને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

ગત તા.11 ડિસેમ્બરના રોજ કોડીનાર પંથકના દેવળીના જંગલ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહેલા ફોરેસ્ટ ગાર્ડ ઉપર અમુક શખ્સોએ છરી વડે હુમલો કર્યો હોવાની ઘટના બની હતી. જેના આરોપીઓને પકડવા પોલીસ તપાસ કરી રહી હતી. દરમિયાન ફોરેસ્ટ ગાર્ડ ઉપર હુમલો કરનાર  શખ્સો પંથકના દેવળી ખારા જંગલ વિસ્તારમાં હોય અને તેઓ પાસે બંદુક પણ હોવાની બાતમી આધારે એસઓજી પીઆઈ એ.બી. જાડેજાએ સ્ટાફ સાથે કોડીનારના મજેવડી રોડ ઉપર આવેલા દેવળી ખારા જંગલ વિસ્તારમાં પહોંચી કાચા રસ્તા ઉપરથી ડફેર યુનુસ મહમદ કેવર રહે.પાણીકોઠા-તાલાલા વાળાને ઝડપી લીધો હતો. તેની પાસેથી ત્રણ જામગરી બંદુક મળી આવી હતી. બાદમાં તેની આગવી ઢબે પુછપરછ કરતા તેણે તથા તેના સાથી ડફેર સલીમ લતીફ લાડક રહે.સાવરકુંડલા વાળા સાથે થોડા દિવસો પૂર્વે આ જ વિસ્તારમાં ફરી રહેલા ફોરેસ્ટ ગાર્ડ ઉપર છરી વડે હુમલો કર્યાની કબુલાત આપી હતી. જેના આધારે આ શખ્સને આગળની કાર્યવાહી અર્થે કોડીનાર પોલીસને સોંપવામાં આવ્યો હતો.