Mysamachar.in:દાહોદ ગોધરા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અલગ અલગ બે જિલ્લાઓમાં બે અલગ અલગ કર્મચારીઓ લાંચ લેતા એસીબીને હાથ લાગ્યા છે, જેમાં ASI એ 10,000 ની જયારે જેલ સહાયક 400 રૂપિયાની લાંચ લેતા ઝડપાઈ જવા પામ્યો છે. પહેલા ASIની વાત કરવામાં આવે તો દાહોદના શહેર ટાઉન પોલીસ મથકના ASI રૂપિયા 10 હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપાયા હતા.આ અંગે મળતી માહિતી પ્રમાણે જાગૃત નાગરિકના ભાઈની દિકરી બે મહિના અગાઉ મધ્યપ્રદેશના દેમારા ગામના છોકરા સાથે ભાગી ગઈ હતી. જેનો પંચ રાહે જે તે વખતે સમાધાન કરી દાવા પેટે નક્કી કરેલા રૂપિયા છોકરા પક્ષવાળાઓ આપ્યાં ન હતા. જેથી ચાર-પાંચ દિવસ સુધી જાગૃત નાગરીકના ભાઈએ છોકરાપક્ષ વાળાને પકડી તેમના ઘરે બેસાડી દીધો હતો. જે અંગે તા.17 નવેમ્બરના રોજ દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનમાંથી બદાભાઇ દલસીંગભાઈ ચૌહાણ જમાદારનો જાગૃત નાગરિકના ભાઇ ઉપર ફોન આવ્યો હતો. જેમાં તેઓએ છોકરાને હાજર કરવા જણાવ્યું હતું. જેથી જાગૃત નાગરિક તથા ગામના અન્ય માણસો છોકરાને લઇ દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આવ્યાં હતાં.
આ દરમિયાન ત્યા દેમારા ગામના માણસો પણ હતા. આ અંગેનું સમાધાન કરી છોકરા પક્ષવાળાએ છોકરી પક્ષને રૂપિયા એક લાખ દાવા પેટે આપવાના જે બાકી હતા તે પૈસા આપ્યાં હતાં. જેથી બદાભાઇ જમાદારે જાગૃત નાગરિકને કહ્યું હતું કે, તમારો નિકાલ કરી આપ્યો છે તો મને રૂપિયા 20 હજાર આપવા પડશે. જેથી જાગૃત નાગરિકે ઓછુ વત્તા કરવા કહ્યું હતું. ત્યારે રૂપિયા દસ હજાર નક્કી થયાં હતાં.આ રૂપિયા 10 હજાર લાંચની રકમ જાગૃત નાગરિક ASIને આપવા માગતા ન હતા. જેથી તેઓએ એસીબી પોલીસનો સંપર્ક કર્યો હતો. તેઓની ફરિયાદ આધારે લાંચનું છટકું ગોઠવાતા ASI 10,000 લેતા ઝડપાઈ ચુક્યા હતા.
અન્ય એસીબી કેસની વાત કરવામાં આવે તો ગોધરા સબજેલમાં જામીન મંજુર થયેલા આરોપીને છોડાવવા પૈસાની માંગણી કરવામાં આવે છે તેવી બાતમી એસીબી પોલીસને મળી હતી. જેને લઇને એસીબી પોલીસે છટકાનું આયોજન કર્યું હતું,તે દરમ્યાન જાંબુઘોડાના છેડતીના આરોપીને હાલોલ સેશન કોર્ટમાં જામીન આપ્યા હતા. આરોપીને ગોધરાની સબજેલમાં રાખવામાં આવ્યો હતો. છેડતીના આરોપીના સંગાસંબધીઓ સબજેલમાં જામીનના ઓર્ડર લઇને જતાં ગોધરા સબજેલના સિપાઇ હીતેશ રબારીએ આરોપીનેછોડાવા તેના સગાઓ પાસે રૂા.500 ની લાંચ માંગી હતી.જામીન મુક્ત થવા સબજેલના સિપાઇ હિતેશ રબારીને લાંચના રૂપિયા 400 આપતા હાજર ગોધરા એસીબી પોલીસે રંગે હાથે પકડી પાડયો હતો. એસીબી પોલીસે લાંચીયા કર્મચારીને એસીબી પોલીસ મથકે લઇને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.