હાર્ટ એટેકની ઘટનાઓ માત્ર 'સમાચાર' જ છે, કે કંઇક બીજું ?! : અભ્યાસ જરૂરી....
છેલ્લાં એકાદ વર્ષથી મીડિયા તથા લોકોમાં વ્યાપક ચર્ચાઓ, પરંતુ આ વિષય પર ફોક્સ કયારે ?!

Mysamachar.in:ગુજરાત
કોરોનાની કપરી કઠણાઈઓએ આપણને સૌને અંદરથી અને બહારની દુનિયામાં પણ હલબલાવી દીધેલાં. કરોડો દેશવાસીઓ હચમચી ઉઠ્યા હતાં. એ સમયે પણ એવું બનેલું કે, શરૂઆતમાં કોરોનાને ગંભીરતાથી લેવામાં ન આવ્યો અને પછી એકદમ ટૂંકા સમયમાં કોરોનાએ ત્સુનામી મચાવી દીધી હતી ! હાર્ટ એટેકની ઘટનાઓ પણ આ પ્રકારની વધુ એક ત્સુનામી સર્જી શકે છે ! સમયસર જાગી જવું આવશ્યક છે ! એવું અત્યારે સમજાઈ રહ્યું છે !
છેલ્લાં એકાદ વર્ષથી આપણી આસપાસની દુનિયામાં આપણે સૌ જોઈએ છીએ કે, હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે ! ખાસ કરીને યુવાઓ પણ હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે ! સતત બિઝી રહેતાં અને સ્વસ્થ લોકો પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. હાર્ટ એટેકના કિસ્સાઓ અગાઉ પણ બનતાં, પરંતુ છેલ્લાં એકાદ વર્ષથી આ કિસ્સાઓનું પ્રમાણ વધ્યું હોવાનું દેખાઈ રહ્યું છે. અગાઉ એકલદોકલ કિસ્સાઓમાં યુવાનો હાર્ટ એટેકનો શિકાર બનતાં. હવે આપણે જોઈએ છીએ કે, આપણાં નજીકનાં ઘણાં યુવાઓ કે 40-45 વર્ષના સ્વસ્થ અને દોડતાં લોકો પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. જેને કારણે ઘણાં લોકોને તથા મીડિયાને પણ અચરજ થઈ રહ્યું છે. પરંતુ સરકાર સ્તરે આ વિષય પર ક્યાંય, કોઈ ફોક્સ થયું હોય - એવું જાણવા મળ્યું નથી. સામે આવ્યું નથી.
ભૂતકાળમાં આપણે સ્વાઈન ફ્લૂ અને ડેન્ગ્યુના કેસોમાં ખાસ ગંભીરતાઓ દાખવી ન હતી. પછી જ્યારે સૌ મોડેથી ગંભીર બન્યા ત્યાં સુધીમાં કોરોનાકાળ આવી ચૂક્યો હતો ! હાલ પણ એવું દેખાઈ રહ્યું છે. અનપેક્ષિત ઉંમરના સ્વસ્થ લોકોને હાર્ટ એટેક આવી રહ્યા છે. તેનાં કારણો અલગ અલગ હોય શકે છે. આ ઉપરાંત નાની ઉંમરના લોકોમાં બ્રેઈન સ્ટ્રોક અને કેન્સરનાં કિસ્સાઓ પણ નોંધાતા રહે છે. જો કે તેનું પ્રમાણ ઓછું છે પરંતુ આ તમામ દિશાઓમાં સરકાર તરફથી ઝડપથી ફોક્સ થાય. કારણો શોધવામાં આવે અથવા તારણો તપાસવામાં આવે - એવું લોકો ઈચ્છી રહ્યા છે.
કોરોનાકાળ વખતે આખી દુનિયા ઉંઘતી ઝડપાઇ ગયેલી અને પછી સૌએ ગભરાટમાં દોડધામ કરવી પડી હતી. હાર્ટ એટેક અને બ્રેઈન સ્ટ્રોક કે પછી કેન્સર જેવી સંભવિત મહામારીઓ ત્રાટકે એ પહેલાં, અત્યારથી જ રાજય અને કેન્દ્ર સરકાર સ્તરે, આ દિશાઓમાં આગોતરો અભ્યાસ, વૈજ્ઞાનિક સંશોધનો શરૂ થઈ શકે તો, આપણે ભવિષ્યમાં આ સંદર્ભે ઉંઘતા ઝડપાઈ જવામાંથી બચી શકીએ, મોટી આફતમાંથી બચવા અંગે વેળાસર તૈયારીઓ કરી શકીએ. એ પ્રકારની લોકલાગણી જોવા મળી રહી છે.