Mysamachar.in-જામનગર:
જામનગર શહેર અને જિલ્લા સહિત સમગ્ર હાલારમાં કાસમ ખફી એક એવું જબ્બર નામ છે, જેને કોઈ પણ રાજકીય પક્ષ અવગણી શકે જ નહીં. અને, જેઓ કાસમભાઈને અંડર એસ્ટીમેટ કરવાની ભૂલ કરશે તેઓ આ વિધાનસભા ચૂંટણીમાં ભીંત ભૂલશે એ નક્કી થઈ ચૂકયુ છે કેમ કે, ‘ટાઈગર’ ની છાપ ધરાવતાં કાસમભાઈ પરિણામ પહેલાં જ ‘હાથી’ પર સવાર થઈ ચૂંટણી જંગમાં પૂરી તાકાતથી એન્ટ્રી લઈ ચૂક્યા છે. તેઓએ જંગને ચારપાંખિયો બનાવી દેતાં, બાકીનાં ત્રણ પક્ષો એ ડરથી ફફડી ઉઠ્યા છે કે, પહેલી ડિસેમ્બરે તેઓનાં નામો મતદારો “ભૂલી’ જશે તો…?!
કોન્ગ્રેસ પક્ષમાં કાસમભાઈએ વર્ષો સુધી લોહી રેડ્યું, પસીનો વહાવ્યો, સંગઠનને મજબૂત બનાવ્યું અને હજારો મતદારોનાં દિલોમાં વસ્યા. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને કોર્પોરેશન – ત્રણેય સંસ્થાઓમાં કાસમભાઈએ પૂરવાર કર્યું કે, મતદારોનો ભરોસો તેઓની સાથે છે અને પક્ષ પ્રત્યેની નિષ્ઠાને કારણે તેઓ કોઈ પણ પ્રકારના પ્રતિસ્પર્ધીને ભરી પીવા સક્ષમ છે. ભારતીય જનતા પાર્ટીના પવનમાં પણ તેઓ સામે પૂરે તરી જિલ્લા પંચાયતમાં વિપક્ષનાં નેતા બન્યા હતાં અને સતત પાંચ વર્ષ શાસકપક્ષને દોડતો રહેવા મજબૂર કર્યો અને પોતે સતત મતદારો માટે તેમજ પોતાના વિસ્તારો માટે દોડતાં રહ્યા. અસંખ્ય કામો કરાવી, વિપક્ષે રહેવા છતાં તેઓએ મતદારોનું હિત જળવાય તે દિશામાં સફળતા સાથે કામો કરી દેખાડયા.
પાછલાં ત્રીસ વર્ષની લાંબી રાજકીય ઇનિંગ્સ દરમિયાન તેઓએ સામાન્ય કાર્યકરથી માંડીને જિલ્લા કક્ષાનાં અડીખમ નેતા તરીકે કાઠું કાઢ્યું તો પણ, અને તેઓની ટિકિટ માટેની દાવેદારી છતાં, આ વખતે કોન્ગ્રેસનું મોવડીમંડળ તક ચૂકી ગયું. સક્ષમ નેતાની કદર ન કરી, અને ટિકિટ અન્યને ફાળવી દીધી. જેને પરિણામે 77-જામનગર બેઠકમાં રહેતાં કાસમભાઈનાં સમર્થકો અને ચાહકો એવાં હજારો મતદારોમાં રોષ ભભુકી ઉઠયો.
ગ્રામ્ય વિસ્તારમાં રહેતાં સ્થાનિક આગેવાનો અને શહેર તથા જિલ્લામાં કોન્ગ્રેસ સાથે સંકળાયેલા સેંકડો આગેવાનો પણ, કાસમભાઈની પક્ષે કરેલી ઉપેક્ષાથી સમસમી ગયા અને હજારો ટેકેદારોએ કાસમભાઈને એક અવાજે, મોટાં અવાજે કહ્યું: કાસમભાઈ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ. હજારો મતદારો અને સેંકડો આગેવાનોની લાગણી અને તેઓમાં રહેલી ચિનગારી પારખી જઇ ગત્ રવિવારે રાત્રે કાસમભાઈએ કોન્ગ્રેસ સાથેનો ત્રણ દાયકાનો અજોડ સંબંધ એકઝાટકે તોડી નાંખ્યો અને સાથેસાથે જબ્બર વ્યૂહરચનાનાં દર્શન કરાવી બહુજન સમાજ પાર્ટી સાથે ‘ ભરત ભરી લીધું ‘ અને બસપા નાં ચૂંટણી ચિન્હ હાથી પર સવાર થઈ તેઓ જામનગર ગ્રામ્ય બેઠક પર સોમવારે ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે. જેને કારણે ભારતીય જનતા પાર્ટીમાં સોપો પડી ગયો છે કેમ કે,
આ વિસ્તારમાં ખાસ કરીને દલિત સમાજમાં ભાજપા પ્રત્યે અસંતોષની લાગણી વર્ષોથી અનુભવી રહ્યા છે. જો કે કાસમભાઈનો પ્લસ પોઈન્ટ એ રહ્યો છે કે તેઓ વિશાળ મુસ્લિમ અને દલિત સમાજ ઉપરાંત હજારો ખેડૂતો સહિતનાં અઢારેય વરણના મતદારો સાથે દાયકાઓથી ગાઢ રીતે સંકળાયેલા છે. તાજેતરમાં તેઓએ ખેડૂતોની વેદનાને વાચા આપવા સરકાર વિરુદ્ધ આંદોલન પણ આદરેલુ જેને જબ્બર પ્રતિસાદ મળ્યો છે.
77-જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પર હાલ ધારાસભ્ય તરીકે કેબિનેટ મંત્રી બિરાજે છે પરંતુ કાસમભાઈની આ બેઠક પરની ઉમેદવારી આ બેઠકનું પરિણામ પલટાવી નાંખશે અને કાસમભાઈ જાયન્ટ કિલર પૂરવાર થશે એવો દ્રઢ વિશ્વાસ કાસમભાઈ પ્રત્યે લાગણી અને પ્રેમ ધરાવતાં હજારો મતદારો ધરાવે છે. વધુમાં એવું પણ આપણે જોઈ શકીશું કે, જામનગરનાં ગ્રામ્ય વિસ્તારોથી લઇને છેક જોડિયા સુધીનાં ગ્રામ્ય વિસ્તારોમાં ફેલાયેલી આ બેઠક પર વર્તમાન ધારાસભ્ય ઉપરાંત કોન્ગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને પણ મતો અંકે કરવા ખૂબ જ અઘરા પૂરવાર થશે. સમગ્ર દરિયાઈ પટ્ટી અને અંતરિયાળ વિસ્તારોમાં કાસમભાઈનાં કામો બોલે છે, કાસમભાઈનું નામ જબરી ઈજ્જત ધરાવે છે. આ બેઠક પર મતદાન પણ ચિક્કાર થશે. અને, કાસમભાઈનાં આ બેઠક પરનાં ત્રણેય પ્રતિસ્પર્ધીઓનાં શ્વાસ છેક આઠમી ડિસેમ્બર સુધી ઉંચા જ રહેશે.
અન્ય એક મહત્વનો મુદ્દો એ છે કે, જામનગર સહિત સમગ્ર હાલારમાં આઝાદીથી અત્યાર સુધીમાં એક પણ ધારાસભ્ય બસપાનાં બેનર પર ચૂંટાયા નથી. સમગ્ર હાલારમાં આ ઈતિહાસ પ્રથમ વખત કાસમભાઈનાં નામે લખાવા જઈ રહ્યો છે. કાસમભાઈ નામનો આ ધરતીકંપ અસંખ્ય આફટરશોક પણ સર્જશે. ખંભાળિયા રોડ પરનાં સિક્કા સહિતનાં ગ્રામ્ય પંથકથી માંડીને જોડિયા સુધીની પટ્ટીમાં કોન્ગ્રેસના અસંખ્ય સ્થાનિક આગેવાનો કાસમભાઈની છાવણીમાં રહી, પ્રતિસ્પર્ધી ત્રણેય પક્ષોને હંફાવશે અને કોન્ગ્રેસમાંથી નોંધપાત્ર પ્રમાણમાં રાજીનામાઓ પણ પડશે. આ બેઠક સમગ્ર હાલારમાં આઠમી ડિસેમ્બર સુધી જોરદાર ચર્ચામાં રહેશે, એટલું નક્કી થઈ ચૂક્યું છે.
કાલે સોમવારે નામાંકનપત્ર દાખલ કરવાનાં અંતિમ દિવસે કાસમભાઈ ખફીએ પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું ત્યારે હજારો સમર્થકો અને સેંકડો આગેવાનોની ઉપસ્થિતિ જોવા મળી. સૌનાં ચહેરા પર ખુશી અને વિજય થશે એવો વિશ્વાસ દેખાઈ રહ્યો હતો. કાસમભાઇની સાથે વાઘેર સમાજનાં અગ્રણી કાસમભાઈ ભોકલ, પૂર્વ નગરસેવક યુસુફભાઈ ખફી, સિક્કા પાલિકાનાં પ્રમુખ જુસબભાઈ બારૈયા, મસીતીયા સરપંચ કાળાભાઈ, બી.એમ.જાડેજા, મસીતીયાનાં સ્થાનિક અને મુસ્લિમ સમાજના અગ્રણી ઈકબાલભાઈ ખફી (ભૂરાભાઈ), કનસુમરા સરપંચ વસીમભાઈ, જિલ્લા લઘુમતી સેલનાં પ્રમુખ સિક્કાના ઈકબાલભાઈ સુમરા, પૂર્વ કોર્પોરેટર ઉમરભાઈ ચમડીયા, ચેલા ગામનાં ભરતસિંહ ભટ્ટી, તેજાભાઇ બગડા તથા ચેલાના દલિત આગેવાન ભૂપતભાઇ સહિતના સેંકડો આગેવાનો ફોર્મ ભરતી વખતે સાથે રહ્યા હતા.