જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લા ગ્રામપંચાયતોમાં મતદાનના આંકડા સાથેની તમામ વિગતો 

જુઓ મતદાનની સાથે સાથે ગતરોજ...પુરુષોનું મતદાન વધુ થયું 

જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લા ગ્રામપંચાયતોમાં મતદાનના આંકડા સાથેની તમામ વિગતો 
પ્રતીકાત્મક તસ્વીર

જામનગર:દેવભૂમિ દ્વારકા:

જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાની  ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રવિવારે મતદાન થયું હતું. જેમાં જામનગર જિલ્લામાં સરેરાશ 72.91%  અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સરેરાશ 80 ટકા મતદાનનો સમાવેશ થાય છે. બન્ને જીલ્લાના મળીને 635 સરપંચ અને 3569 સભ્યોનું ભાવિ મતપેટીમાં સીલ થયું છે. મંગળવારે મતગણતરી થશે.જામનગર જિલ્લાની 195 ગ્રામ પંચાયત પૈકી 34 સમરસ થતાં 14 સરપંચ અને 398 સભ્ય બિનહરીફ ચૂંટાયા છે. 119 પંચાયતની ચૂંટણી માટે રવિવારે મતદાન થયું હતું. જામનગર જિલ્લામાં સાંજ સુધીમાં સરેરાશ 72. 91%  ટકા જેટલું મતદાન થયું છે. જેમાં કુલ 294 સરપંચ સભ્ય અને 1556 સભ્યોનું ભાવિ મતપેટીમાં સીલ થયું છે. જામનગર જિલ્લામાં 46 ગામ અને 127 મતદાન મથકો સંવેદનશીલ તો 12 મતદાન મથક અતિસંવેદનશીલ જાહેર કરાયા હોય આ મતદાન મથકો પર પોલીસે ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો.દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 128 ગ્રામ પંચાયતની ચુંટણી માટે રવિવારે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન થયું હતું.

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં   ખંભાળિયા તાલુકામાં 74, ભાણવડ તાલુકામાં 29, કલ્યાણપુર તાલુકામાં 34 અને દ્વારકા તાલુકામાં 19 ગ્રામ પંચાયતો પૈકી અનુક્રમે ખંભાળિયાની 8, ભાણવડની 8, કલ્યાણપુરની 4 તથા દ્વારકાની સાત ગ્રામ પંચાયત સમરસ જાહેર થયા બાદ 128 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આ વખતે ભારે ગરમાવા સાથે રાજકીય રંગ પણ જામ્યો હતો. આ ચૂંટણી અનેક વિસ્તારોમાં ઉમેદવારો માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની રહી હતી અને છેવટ સુધીના મતદારોને યેનકેન પ્રકારે રીઝવવાના પ્રયાસો ભારે ચર્ચામાં રહ્યા હતા.મતદાનના પ્રથમ ચરણમાં 11 વાગ્યા સુધીમાં ખંભાળિયામાં 15.20 ટકા, કલ્યાણપુરમાં 26.14 ટકા, ભાણવડમાં 25.35 ટકા અને દ્વારકામાં 19.08 ટકા જેટલું ધીમું મતદાન થયું હતું. બાદમાં સ્થાનિકો દ્વારા મતદાન માટે મતદારોને રીઝવવા તથા સમજાવવામાં આવતા સાંજે 6 વાગ્યા સુધીમાં નોંધપાત્ર મતદાન થઈ ચૂક્યું હતુ.

આ અંગે તંત્ર દ્વારા જારી કરવામાં આવેલા પ્રાથમિક અને અંદાજિત આંકડા મુજબ ખંભાળિયા તાલુકામાં 77 ટકા, ભાણવડ તાલુકામાં 76.11 ટકા, કલ્યાણપુર તાલુકામાં 75.71 ટકા તથા દ્વારકા તાલુકામાં 68.51 ટકા જેટલું મતદાન થવા પામ્યું છે. આમ, આશરે 75 ટકા જેટલા નોંધપાત્ર મતદાનના આજે સવાર સુધી તંત્ર દ્વારા સત્તાવાર અને સંપુર્ણ આંકડાઓ જાહેર થયા ન હતા.જિલ્લાની 128 ગ્રામ પંચાયતના 341 સરપંચ પદના ઉમેદવાર તથા 2013 સભ્ય પદના ઉમેદવાર મળી કુલ 2354 ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ થયા છે. જેની ગણતરી આવતીકાલે મંગળવારે સવારે સ્થાનિક કક્ષાએ હાથ ધરવામાં આવશે.

-કયા તાલુકાની કેટલી ગ્રામ પંચાયત કેટલું થયું મતદાન 

જામનગર તાલુકાની 26 ગ્રામપંચાયતમાં 74.44%, કાલાવડ તાલુકાની 20 ગ્રામપંચાયતમાં 71.43%, લાલપુર તાલુકાની 23 તાલુકા પંચાયતમાં 74.79% મતદાન, જામજોધપુર તાલુકાની 29 તાલુકા પંચાયતમાં 74.83% , ધ્રોલ તાલુકાની 11 તાલુકા પંચાયતમાં 72.31%, જોડિયા તાલુકામાં 10 તાલુકા પંચાયતમાં 66.32% મતદાન થયું છે. કુલ છ તાલુકા પંચાયતની 119 ગ્રામપંચાયતમાં કુલ 72.91% મતદાન નોંધાયું હતું. 

-ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મહિલા કરતા પુરૂષનું મતદાન વધુ
જામનગર જિલ્લાની 119 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રવિવારે થયેલા મતદાનમાં મહિલા કરતા પુરૂષનું મતદાન વધુ થયું હતું. જેમાં પુરુષોના મતોની ટકાવારી 76.04% જયારે મહિલા મતદારોની 69.53% રહી હતી.

-10 ગ્રામ પંચાયતની પેટાચૂંટણીમાં 61.45% ટકા મતદાન
જામનગર જિલ્લામાં 10 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં જામનગર તાલુકાની 4 ગ્રામ પંચાયતમાં 56.30%, કાલાવડ તાલુકાની 1 ગ્રામ પંચાયતની પેટાચૂંટણીમાં 83.49%, લાલપુર તાલુકાની 1 ગ્રામ પંચાયતમાં 81.43% ટકા અને જામજોઘપુર તાલુકાની 4 ગ્રામ પંચાયતની પેટાચૂંટણીમાં 64.86%  ટકા મતદાન થયું છે.

-પોલીંગ ઓફીસર કેફી પીણું પીધેલા ઝડપાઈ જતા કાર્યવાહી 

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં જુદા-જુદા સ્થળોએ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાઈ હતી. આના અનુસંધાને જે-તે સ્થળે તંત્ર દ્વારા પોલિંગ ઓફિસર તથા સ્ટાફને જરૂરી કામગીરી સોંપવામાં આવી હતી.કલ્યાણપુર તાબેના ધતુરીયા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્વે આ વિસ્તારમાં ગત સાંજે પોલિંગ ઓફિસર વિગેરે દ્વારા કામગીરી સંભાળવા તથા આ અંગે પ્રાથમિક શાળાએ ચુંટણી સંદર્ભે કરવાની થતી કામગીરી હાથ ધરવામાં આવી હતી.એવામાં શનિવારે રાત્રિના સમયે કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા અને પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે ફરજ બજાવતા અરવિંદભાઈ હરદાસભાઈ ધોકિયાએ ધતુરીયા- 2 ખાતે ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન પોલિંગ ઓફિસર તરીકે મૂકવામાં આવેલા જીગ્નેશ કાંતિભાઈ પટેલ નામના કર્મચારીને આ વિસ્તારની સરકારી તાલુકા શાળા ખાતે મતદાન માટે મતપેટીઓ લઈને આવતા પોલિંગ ઓફિસર જીગ્નેશભાઈ હાજર ન હતા. જેથી તેમને સમયાંતરે બે વખત મોબાઈલ કર્યા બાદ રાત્રીના આશરે દસેક વાગ્યે તેઓ અહી આવ્યા હતા.આ સ્થળે રહેલા કર્મચારીઓને પોલીંગ ઓફિસર જીગ્નેશ પટેલ પીધેલી હાલતમાં હોવાનું ધ્યાને આવતા આ બાબતે કલ્યાણપુર પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને પોલીસ અધિકારી તથા સ્ટાફે દોડી જઈ અને આ અંગેની તપાસમાં ઉપરોક્ત કર્મચારી કેફી પીણું પીધેલી હાલતમાં હોવાનું ખુલવા પામ્યું હતું. જેથી ગત મોડી રાત્રિના સમયે જ તેની સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ધોરણસર ગુનો નોંધી, તેની અટકાયત કરવા સહિતની કામગીરી કરવામાં આવી હતી.