ગોજારો અકસ્માત, 9 માસના બાળક સહીત એક જ પરિવારના 5 ના મોત

કન્ટેનરે બાઇકને અડફેટે લેતા ગોઝારો અકસ્માત સર્જાયો

ગોજારો અકસ્માત, 9 માસના બાળક સહીત એક જ પરિવારના 5 ના મોત

Mysamachar.in-વલસાડ

રાજ્યમાં વધુ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં વલસાડ નેશનલ હાઇવે ન.48 ઉપર શુક્રવારે સુગર ફેક્ટરી બ્રિજ પાસે ગણદેવીનું એક દંપતી 3 માસૂમ સંતાન સાથે દમણ સાસરે જઈ રહ્યું હતું. તે દરમિયાન સાંજના સુમારે અચાનક વળાંક આવતા બાજુમાંથી પુરપાટ ઝડપે પસાર થઈ રહેલા કન્ટેનરે બાઇકને અડફેટે લેતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેના પગલે ગંભીર ઇજાઓ પામેલા પતિ પત્ની અને 3 માસૂમ બાળકોને કાળ ભરખી જતા અરેરાટી મચી ગઇ હતી. પતિ પત્ની અને 2 બાળકીનું ઘટના સ્થળે પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું. જ્યારે ગંભીર ઇજા પામેલા 9 માસના બાળકે વલસાડ સિવિલના સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.

એકજ પરિવારના 3 બાળકો સહિત 5 સભ્યોનું અકસ્માતમાં કમકમાટીભર્યા મોત થતા ગણદેવી પંથકમાં પણ ચકચાર મચી ગઇ હતી, આ ગોઝારા અકસ્માતને પગલે વાહનચાલકો અને ઘટનાની જાણ થતાં સ્થાનીક લોકો દોડી આવ્યા હતા. અકસ્માતના સ્થળે રસ્તા પર લોહીલુહાણ પરિવારને જોતા ઉપસ્થિત લોકોને પણ કંપારી છૂટી ગઈ હતી, ઘટનાની જાણ થતા રૂરલ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. અકસ્માતમાં એક જ પરિવારના 5 સભ્યોએ જીવ ગુમાવતા ઘટના સ્થળે પોલીસે પહોંચી અકસ્માતની ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હતી. મૃતકોમાં અજય દલપત, ઉ.વ 28, રેખા અજય, ઉ.વ.25, કાવ્યા અજય, ઉ.વ.5, નેન્સી અજય, ઉ.વ.3, જૈનિષ અજય, ઉમર-9 માસ નો સમાવેશ થાય છે.