Mysamachar.in-વડોદરા:
મોબાઈલમાં સતત આંગળીઓ ફેરવતો યુવા વર્ગને ઘણી વાર આસપાસ શું થઈ રહ્યું છે એની ખબર જ નથી રહેતી. મોબાઈલમાં એટલા મશગુલ થઈ જાય છે કે કોઈ બાજુમાંથી પસાર થઈ જાય તો પણ ભાન નથી રહેતી. આવા યુવાનો માટે એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. મોબાઈલમાં મગ્ન રહેલા યુવાનને જીવ ગુમવવાનો વારો આવ્યો છે. મહાનગર વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના પીપળીયા ગામે આવેલી ધીરજ હોસ્પિટલ પાસે એક યુવાન મોબાઈલમાં વાત કરતા રસ્તો ક્રોસ કરી રહ્યો હતો. સિટી બસની અડફેટે આવતા આ યુવાનનું મૃત્યુ થયું છે. આ સમગ્ર ઘટના હોસ્પિટલના ગેટ પાસે રહેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. જેના ફૂટેજ સામે આવ્યા છે. વાઘોડિયા પોલીસ જણાવ્યું કે, મોબાઈલમાં વાત કરી રહેલ યુવક વાતમાં એટલો મશગુલ હતો કે તે વાત કરતા રસ્તો ક્રોસ કરી રહ્યો હતો અને બસ આવી ચઢી. બસ આવવાનો અવાજ પણ સાંભળ્યો નહીં. રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે સામેની બાજુથી બસ પુરપાટ વેગે આવી રહી હતી. મોબાઈલ ફોનમાં મગ્ન વ્યક્તિ બસ નીચે આવી જતા એનું મોત થયું છે. આ ઘટના બનતા અનેક લોકો એકઠા થઈ ગયા હતા. પ્રત્યક્ષદર્શી પણ ઘટનાથી સ્તબ્ધ થઈ ગયા હતા.
વાઘોડિયા પોલીસને જાણ થતા પોલીસ ટુકડી પણ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે પ્રાથમિક તપાસ કરી જણાવ્યું હતું કે, આ વ્યક્તિનું નામ સચીન બ્રીજેશભાઈ કશ્યપ છે. જે મૂળ ઉત્તર પ્રદેશના ધરમુપૂરનો રહેવાસી છે. આ યુવાન ધીરજ હોસ્પિટલમાં કામથી આવ્યો હતો. હોસ્પિટલમાંથી નીકળીને રસ્તો ક્રોસ કરી રહ્યો હતો. એ સમયે વાઘોડિયાથી વડોદરા બાજુ જતી સિટી બસની અડફેટે આવતા એનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું છે. આ કેસમાં પોલીસે સિટી બસના ડ્રાઈવર હીરાભાઈ બારીયા સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે. સિટી બસ સંચાલકે પણ હીરાભાઈ બારીયાને સસ્પેન્ડ કરી દીધા છે.
સતત અને સખત મોબાઈલનો ઉપયોગ કરતા યુવાનો માટે આ કિસ્સો લાલ બત્તી સમાન છે. ખાસ કરીને રસ્તા પર ફોન પર વાત કરતા કે મોબાઈલમાં વ્યસ્ત રહેનારા લોકો માટે આ કિસ્સો ઉદાહરણ સમાન છે. મોબાઈલમાં વ્યસ્ત રહેતા યુવાનો આખરે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. યુવાનો એક વખત મોબાઈલમાં ખોવાય જાય પછી આસપાસની દુનિયા ભૂલી જાય છે. જેનું ક્યારેક ગંભીર પરિણામ ભોગવવું પડે છે.