ગજબઃ આ ડેપોમાંથી યુવક ST બસ લઈને ભાગ્યો...પછી શું થયું જાણો...

બાઈક ચાલકને પણ અડફેટે લીધો અને ડિવાઈડર સાથે પણ બસની ટક્કર થઈ ગઈ.

ગજબઃ આ ડેપોમાંથી યુવક ST બસ લઈને  ભાગ્યો...પછી શું થયું જાણો...

Mysamachar.in-અરવલ્લી:

આમ તો એસટી વિભાગમાં ચાલતી લોલમલોલ સમયાંતરે ઉઘાડી પડી જાય છે. પરંતુ  અરવલ્લી જિલ્લાના એક બસ ડેપોમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ડેપોમાં પાર્ક કરેલી એક બસમાં યુવાન ચડી જતા થોડા સમય માટે દોડધામ થઈ ગઈ હતી. નવાઈની વાત તો એ છે કે, આ યુવાન બસ ચાલું કરીને ડેપોમાંથી લઈ ગયો. રસ્તામાં તેણે એક બાઈક ચાલકને પણ અડફેટે લીધો અને ડિવાઈડર સાથે પણ બસની ટક્કર થઈ ગઈ. ત્રણ કિમી સુધી બસ ચલાવ્યા બાદ રસ્તાની બાજુમાં બસ માટી ઢગલામાં ફસાઈ જતા ત્યાં જ બસ મૂકી દીધી હતી. જોકે, આ ઘટનામાં કોઈ પ્રકારની જાનહાનિ થઈ નથી. મેઘરજ એસટી ડેપોની મેઘરજથી ઢકવા રૂટની એસટી બસ વહેલી સવારના છ વાગ્યા આસપાસ મેઘરજ ડેપોમાં આવી હતી. બસ પાર્ક કરીને ડ્રાઈવર શૌચક્રિયા માટે ગયા હતા. એ દરમિયાન એક  યુવક રાજુ નિનામા બસમાં પ્રવાસીઓને આવવાના દરવાજેથી ચડ્યો. પછી બસ ચાલું કરીને ભાગી ગયો હતો. ત્રણ કિમી સુધી તેણે બસ દોડાવી હતી. કોઈ કંઈ સમજે એ પહેલા તો રાજુએ બસને ડેપોની બાહર હંકારી દીધી હતી.

બસ ડ્રાઈવરે પહેલા પોલીસને જાણ કરી પોલીસે આ બસનો પીછો કરી ડુંડવાળા પાસે બસ રોડની બાજુમાં રહેલા માટીના ઢગલામાં ફસાઈ ગઈ હતી. બસ ડ્રાઈવર મણાભાઈ રાવળે પણ બસનો બાઈક વડે પીછો કર્યો હતો. બસ પર કાબુ ન જળવાતા ડિવાઈડર સાથે ટક્કર થઈ હતી. પોલીસે રાજુને પકડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. નસીબ એટલા સારા કે, આ ઘટનામાં કોઈ પ્રકારની જાનહાનિ થઈ નથી. બાઈક ચાલક બસની અડફેટે આવતા ટક્કર થઈ હતી. જોકે, બાઈક ચાલકને ઈજા થઈ નથી. આ કેસમાં રાજુના પિતાએ પોલીસને કહ્યું કે, તે ચાર દિવસ પહેલા જ હોસ્પિટલમાંથી ઘરે આવ્યો છે. સવારે શૌચાલય જવાનું કહીને ઘરેથી ભાગી ગયો હતો. બસ સ્ટેશને પહોંચી બસ હંકારી નાસી ગયો હતો. પોલીસે એને મેઘરજ પોલીસ મથકે લાવી એના પિતાની પણ પૂછપરછ કરી હતી.