કાળીચૌદશના દિવસે લીંબુ ઘરની બહાર મુકવા બાબતે પડોશીઓ વચ્ચે બઘડાટી

પોલીસે બંનેની ફરિયાદ લીધી

કાળીચૌદશના દિવસે લીંબુ ઘરની બહાર મુકવા બાબતે પડોશીઓ વચ્ચે બઘડાટી
file image

Mysamachar.in-અમદાવાદ

ગઈકાલે કાળીચૌદશ હતી, અને આ દિવસે કેટલાય લોકો જે માન્યતાઓમાં માને છે તે કકળાટ કાઢવા, લીંબુ ઘરની બહાર મુકવા, લીંબુ મરચું ચાર ચોકમાં મુકવા, સ્મશાનમાં વિધિઓ કરવી વગેરેમાં માને છે, એવામાં ઘરની બહાર ઉતારેલા લીંબુ મુકવા બાબતે અમદાવાદમાં બે પડોશીઓ વચ્ચે બબાલ થયાનો મામલો પોલીસ સુધી પહોચ્યો છે, નરોડા હરીદર્શન ચાર રસ્તા પાસે આવેલા હિલોની ફ્લેટમાં એ બ્લોકમાં પૂજાબેન ચૌહાણ તેમના પરિવાર સાથે રહે છે. તેમની બાજુના મકાનમાં પૂજાબેન પટેલ તેમના પરિવાર સાથે રહે છે.

પૂજાબેન ચૌહાણના ઘરની બહાર કોઈએ ઉતારાનું લીંબુ મૂક્યું હતું. જેથી પૂજાબેન આસપાસમાં પૂછવા ગયા હતા. પૂજાબેન પટેલને પૂછતાં મેં લીંબુ મૂક્યું નથી અને હવે આ બાબતે મને પૂછવાનું નહિ. આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. તેઓ વચ્ચે ઝપાઝપી અને મારામારી થઈ હતી. બંનેના પતિ પણ આવી ગયા હતા. તહેવાર દરમ્યાન બંને પરિવારો વચ્ચે ઝઘડો થતાં આસપાસના લોકો પણ ભેગા થઈ ગયા હતા અને તેઓને છોડાવ્યા હતા. ઘટના મામલે પોલીસને જાણ થતાં નરોડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ બંને પરિવારને લઈ પોલીસ સ્ટેશન પહોંચી હતી. નરોડા પોલીસે બંનેની ફરિયાદ લઈ વધુ તપાસ શરૂ કરી છે.