Mysamachar.in:દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કિશોરસિંહ ચંદુભા જાડેજા તથા અન્ય પોલીસકર્મી ગઈકાલે મંગળવારે તેઓની ફરજના ભાગરૂપે ભાણવડ તાલુકાના ઘુમલી ગામે બાતમીના આધારે દેશીદારૂ અંગેની કાર્યવાહી કરવા ગયા હતા, ત્યારે આ વિસ્તારમાં પહોંચતાં રાણીવાવ નેસ રહેતા રત્ના મુળુભાઈ ચાવડા નામના 30 વર્ષના માલધારી યુવાન પાસે દેશી દારૂ હોવાની શંકા અંગેની પૂછપરછ તથા કામગીરી અંતર્ગત તેની પાસેથી દેશી દારૂના ચાર પાઉચ મળી આવ્યા હતા. પોલીસ કસ્ટડી ટાળવા માટે રત્ના ચાવડા રબારીએ ઉશ્કેરાઈને ફરજ પર રહેલા હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહ જાડેજાને મારી નાખવાની ધમકી આપી હતી અને પકડમાં રહેલા આ આરોપીએ છૂટવા માટે ઝપાઝપી અને મારામારી કરી હતી. આરોપી શખ્સ દ્વારા નજીકમાં રહેલા પથ્થર ઉપાડીને પોલીસ હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહ જાડેજાને મારી લેતા તેઓ લોહીલુહાણ થઇ ગયા હતા. તેમને માથામાં નવ ટાંકા આવતાં તેમને સારવાર અર્થે ભાણવડની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ સમગ્ર બનાવ અંગે ભાણવડ પોલીસે હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહ ચંદુભા જાડેજાની ફરિયાદ પરથી રત્ના ચાવડા સામે આઈ.પી.સી. કલમ 323, 324, 506 (2) તથા પ્રોહી. એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.