રીંગણા અને મરચા વચ્ચે ખેડૂતે કર્યું ગાંજાનું વાવેતર અને....

પોલીસને ખ્યાલ આવી ગયો કે અહી જ...

રીંગણા અને મરચા વચ્ચે ખેડૂતે કર્યું ગાંજાનું વાવેતર અને....

Mysamachar.in:ગોધરા

પંચમહાલ અને ગોધરા સહિતના વિસ્તારોમાં કેટલાક ઈસમો અન્ય જણસોની સાથે સાથે ગાંજો પણ ઉગાડે છે અને સમયાંતરે જયારે પોલીસની આવી બાતમીઓ મળે ત્યારે કાર્યવાહી થતી રહેતી હોય છે, આવી જ કાર્યવાહી વધુ એક વખત સામે આવી છે, જેમાં એક ખેડૂતે રીંગણા અને મરચા વચ્ચે ગાંજાનું વાવેતર કરતા પોલીસે આ ખેતરમાં દરોડો પાડી લીલા ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.

પંચમહાલ જીલ્લાના મોરવાહડફ તાલુકાના તાજપુરી ગામમાં આવેલ લુખાવાડીયા ફળિયામાં રહેતા ભારતસિંહ રામસિંહ બારીઆ નામના શખ્સ દ્વારા પોતાના ખેતરમાં ગેરકાયદેસર રીતે ગાંજાના છોડનું વાવતેર કરવામાં આવ્યું હોવાની બાતમી પંચમહાલ SOG ને મળતા પોલીસ સ્ટાફે તાજપુરી ગામે બાતમી મુજબના ખેતરમાં એકાએક તપાસ હાથ ધરતા ખેતરમાં રીંગણ અને મરચાના છોડ સાથે અંદાજિત 2.5 થી 7 ફૂટ ઉંચાઈના વનસ્પતિજન્ય લીલા ગાંજાના છોડ ઉગાડેલા મળી આવ્યા હતા. જેને લઇને પોલીસ દ્વારા એફએસએલની મદદ લઈ છોડનું પરીક્ષણ કરતા તે છોડ વનસ્પતિજન્ય લીલા ગાંજાના છોડ હોવાનું સામે આવ્યુ હતું. જે બાદ એસઓજી દ્વારા ખેતરમાં ઉગાડેલ આ લીલા ગાંજાના 59 છોડને કબ્જે લઈ તેનું વજન કરાવવામાં આવતા 39.08 કિલોગ્રામ અને તેની અંદાજિત કિંમત રૂ.3,90,800 હોવાનું સામે આવતા ખેડૂત વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.